ભરૂચ : ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા ફૂટવેર તેમજ ગારમેન્ટ એસોસિયેશન દ્વારા જિલ્લાની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 25મી માર્ચ સુધી જિલ્લામાં આવેલા તમામ ગારમેન્ટ તેમજ ફૂટવેરના શોરૂમ બંધ રહેશે. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે આ મહત્વપૂર્ણ સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાઈરસના સંક્રમણને પહોંચી વાળવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન તથા ફિઝિયોથેરાપી એસોસિયેશન દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. મેડિકલ એસોસિયેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, ઇમરજન્સી સિવાય દવાખાનાઓમાં આવવાનું ટાળવા જણાવવામાં આવ્યું છે. વિશ્વભરમાં મહામારી ફેલાવનાર કોરોના વાયરસે દેશમાં પણ પગપેસારો કર્યો છે. હાલમાં આ વાયરસ બીજા તબક્કામાં છે, ત્યારે હજુ આ વાયરસ વધુ ખતરનાક બની શકે છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ભરૂચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેડિકલ એસોસિયેશન દ્વારા ઇમરજન્સી સિવાયના લોકોને માત્ર સલાહ અને પ્રાથમિક સારવાર માટે દવાખાનાઓમાં ભીડ ન કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કામ વગર હોસ્પિટલમાં આવવાનું ટાળવા જણાવ્યું છે. તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે માત્ર એક જ વ્યક્તિએ રહેવા સૂચના આપવામાં આવી છે. આજે ભરૂચ જિલ્લા ફિઝિયોથેરાપી એસોસિયેશન દ્વારા આગામી 25મી માર્ચ સુધી તમામ સેન્ટર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જિલ્લાના તમામ સેન્ટરો પર દર્દીઓની સારવાર નહિં થઇ શકે.