અમદાવાદ મણિનગર વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં રહેતા અને જાણીતી મોબાઈલ કંપની એપલના અધિકારી વિશાલસિંહ જાડેજાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોની મોબાઈલ શોપમાં એપલ કંપનીના ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે. જેથી પોલીસે ફરિયાદના આધારે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઓમ સદગુરુ મોબાઈલ, મનોર મોબાઈલ એન્ટર પ્રાઈઝ, વી.મોબાઈલ પોઈન્ટ, જય ગુરુદેવ મોબાઈલ, માં ભવાની મોબાઈલ તેમજ એમ.બી.મોબાઈલના દુકાનદારોને ત્યાં દરોડો પાડી એપલ કંપનીની ડુપ્લીકેટ વિવિધ એસેસરીઝ મળી કુલ 2.50 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
એસેસરીઝના જથ્થા સાથે મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર GIDC વિસ્તારની સ્કાય રેસીડેન્સીમાં રહેતા માંગીલાલ ચૌધરી, ભરત રાજપુરોહિત, જગદીશ રાજપુરોહિત, શંકરલાલ રાજપુરોહિત, મહેન્દ્રસિંહ રાજપૂત અને વિક્રમ ચૌધરીને ઝડપી આ તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.