- લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટેનો અભિગમ
- 30 બેડની સુવિધા ઉભી કરવામાં આવી
- આઇસોલેશન સેન્ટરમાં ભોજન વિનામૂલ્યે આપાશે
ભરૂચઃ જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહી છે. ટંકારીયા ખાતે આવેલા ધાર્મિક સ્થળમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં 30 બેડ ઊભા કરાયા છે. બાદમાં 100 બેડની સુવિધા ઊભી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ કર્મીઓ માટે આઇસોલેશન રૂમ બનાવાયો
દારૂલ ઉલુમમાં આઈસોલેશન સેન્ટર તૈયાર કરાયું
સમગ્ર દેશ સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં વાધારો નોંધાયો છે અને અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. બીજી તરફ મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક મહામારીમાં લોકોને બેડ નથી મળી રહ્યા ત્યારે ભરૂચના ટંકારીયા ગામ ખાતે આવેલા ધાર્મિક સંસ્થા દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ટંકારીયા ગામ નજીક આવેલા મદ્રેસાને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે અને હાલ અહીં પ્રાથમિક તબક્કે 30 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે. અહીં ઓક્સિજનની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
નિષ્ણાત તબીબો આપશે સેવા
આ ઉપરાંત નિષ્ણાત તબીબો સેવા આપશે. અહીં સારવાર માટે દાખલ થતાં દર્દીઓને ભોજનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં અહી 100 બેડની સુવિધા ઊભી કરવામાં આવશે ત્યારે ભરૂચના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આ આઇસોલેશન સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પણ વાંચોઃ રામનવમી નિમિતે વડોદરામાં ચાર આઇસોલેશન સેન્ટરનો સી. આર. પાટીલે પ્રારંભ કરાવ્યો