- નર્મદા નદી કિનારે આવેલ તપોવન આશ્રમમાં વરસાદી પાણીના સંગ્રહનું ઉત્તમ ઉદાહરણ
- વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટે સવા લાખ લીટર પાણીની સ્ટોરેજ કેપેસીટી ધરાવતો ભૂગર્ભ ટાંકો બનાવાયો
- બોરના ખારા થયેલા પાણીથી ઉભી થયેલ પરિસ્થિતિને પહોચી વળવા આશ્રમ સંચાલકોનો અભિગમ
ભરૂચ : નર્મદા નદી કિનારે આવેલા તપોવન આશ્રમમાં વરસાદી પાણીના સંગ્રહનું ઉત્તમ ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય એ માટે સવા લાખ લીટર પાણીની સ્ટોરેજ કેપેસીટી ધરાવતો ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પાણીનો ઉપયોગ કરી શકાય છે.
ખળ ખળ વહેતી પાવન સલીલામાં નર્મદાના કિનારે આવેલ તપોવન આશ્રમ પાણી સંચયના અભિગમના કારણે સમગ્ર રાજ્ય માટે ઉત્તમ ઉદાહરણ બન્યું છે. તપોવન આશ્રમમાં સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. આશ્રમની પાણીની જરૂરીયાતને પહોચી વળવા કુલ પાંચ બોર બનાવવામાં આવ્યા હતા. જોકે, થોડા વર્ષો પૂર્વે નર્મદાના નીરના ઓછા પ્રવાહના કારણે સમુદ્ર સીમાડા ઓળંગી નદીમાં પ્રવેશ્યો હતો અને નદીનું મીઠું જળ ખારું થઇ ગયું હતું. જેની અસર આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી. ત્યારે તપોવન આશ્રમમાં આવેલ 5 બોરના પાણી પણ ખારા થઇ ગયા હતા. નર્મદા નદીના કિનારે આવેલ હોવા છતાં આશ્રમ માટે વેચાતું પાણી મંગાવવાનો વારો આવ્યો હતો. આવા સમયે આશ્રમના સંચાલકોને ભૂગર્ભ જળ સંચયનો વિચાર આવ્યો હતો અને આ પરિકલ્પનાને સાકાર કરવા માટે કામગીરી શરુ થઇ હતી. આશ્રમ સંચાલકો દ્વારા પરીષરમાં 12 ફૂટ ઊંડો, 21 ફૂટ લાંબો અને 18.5 ફૂટ પહોળો ખાડો ખોદી અંદર સવાલાખ લીટર પાણીનો સંગ્રહ થઇ શકે એવો ટાંકો ઉતારવામાં આવ્યો હતો.
ચોમાસાના ચાર મહિના આકાશમાંથી વરસતી મેઘની મહેરરૂપી પાણીનો આ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. તેમજ વર્ષ દરમ્યાન આજ પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. આશ્રમ સંચાલકો દ્વારા આ સાથે જ ખારા થયેલા બોરના પાણીને મીઠા કરવાની પણ કામગીરી કરવામાં આવે છે. આશ્રમમાં આવેલ વિવિધ ટાંકીનું પાણી બોરમાં ઉતારી બોર રીચાર્જ કરવામાં આવે છે.
નર્મદાના નીર ખારા થતા આશ્રમ સંચાલકો મુઝવણમાં મુકાયા હતા. ખારા પાણીના કારણે આશ્રમમાં રોપવામાં આવેલ વ્રુક્ષો પણ સુકાઈ ગયા હતા. ત્યારે ભૂગર્ભ જળ સંચયનો અભિગમ કારગત નીવડ્યો છે અને આશ્રમ પહેલાંની માફક જ લહેરાઈ રહ્યું છે.
જળ એજ જીવન છે આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે. પરંતુ સાચા અર્થમાં જીવનને કેવી રીતે બચાવી શકાય એનું ઉદાહરણ તપોવન આશ્રમ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. લોકો પણ આ રીતે પોતાના ઘરમાં નાના ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી અમૂલ્ય જળને બચાવવા સહભાગી બને એ જરૂરી છે.