મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરના પાંચટી બજાર સ્થિત કબીર મંદિર સામે રહેતા સફીરૂલ નુરઉલહોદા શેખની ગોયા બજારમાં અલંકાર જ્વેલર્સ ચલાવે છે. તારીખ 19 ડિસેમ્બરના રોજ તેઓની દુકાનમાં કામ કરતા મૂળ બંગાળી કારીગરો નીલકંઠ રાહુલ ખેત્રોપાલ, અજય મોહન ખેત્રોપાલ અને ચંદી જીવનકિશન હાજરા દુકાનમાં રહેલ સોનાની વિવિધ વસ્તુઓ મળી અંદાજિત 17 તોલા સોનુ મળી કુલ 5.10 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તે દરમિયાન પશ્ચિમ બંગાળ પોલીસે ચોરીમાં સંડોવાયેલા ચંદી જીવનકિશન હાજરાને ઝડપી પાડ્યો હતો. જેની વધુ પૂછપરછ કરતાં તેણે અંકલેશ્વરની અલંકાર જ્વેલર્સમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. જેમાં પશ્વિમ બંગાળ પોલીસે ભરૂચ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ભરૂચ પોલીસની એક ટીમ પશ્વિમ બંગાળ ગઈ હતી. ત્યાંથી આરોપીનો કબ્જો મેળવી તેને અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કર્યો હતો. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.