- ભરૂચમાં AIMIMની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ
- ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા અને જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટી પણ રહ્યા હાજર
- ભરૂચ, અમદાવાદ, મોડાસા અને ગોધરા સહિતના જિલ્લામાં ચૂંટણી લડશે AIMIM
- અસૂદ્દીન ઓવૈસી અમદાવાદ અને ભરૂચમાં કરશે ચૂંટણી પ્રચાર
ભરૂચ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થઈ ગઇ છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં સોમવારના રોજ AIMIMની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ હતી. ભારતીય ટ્રાયબલ પાર્ટી અને AIMIM વચ્ચે ગઠબંધનની જાહેરાત બાદ પ્રથમ વખત યોજાયેલી બેઠકમાં AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા, સંગઠનના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. AIMIMના હોદ્દેદારોએ કાર્યકરો સાથે ચર્ચા કરી ભરૂચનું સંગઠન તેમજ ચૂંટણીમાં ઉમેદવારોના નામ નક્કી કરવા મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા સાથે પણ મુલાકાત કરી હતી.
ભરૂચ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ચૂંટણી લડાશે
AIMIMના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટીએ ગુજરાતમાં ભરૂચ, અમદાવાદ, મોડાસા અને ગોધરા સહિતના જિલ્લામાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હાલ પાર્ટી દ્વારા આ તમામ જિલ્લાઓમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ કયા પ્રકારે ચૂંટણી લડવી એની જાહેરાત કરાશે.
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઓવૈસી આવશે ગુજરાત
ગુજરાતમાં હવે ઓવૈસીની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. તારીખ 3 ફેબ્રુઆરીની આસપાસ AIMIMના અધ્યક્ષ ઓવૈસી અમદાવાદ અને ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે. આ માટે હૈદરાબાદથી તેમના કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ રહી છે.