- અહેમદ પટેલના પુત્ર અને પુત્રી રાજકારણથી દૂર રહેશે
- પત્રકાર પરિષદમાં કરી જાહેરાત
- ફૈઝલ અને મુમતાઝ સમાજ સેવામાં જોડાશે
ભરૂચ : રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન 25 નવેમ્બરના રોજ થયું હતું. જે બાદ સોમવારે અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે અહેમદ પટેલના નિવાસ સ્થાને દેશભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ તેમજ કાર્યકરો અહેમદ પટેલને શ્રદ્ધાંજલી આપવા માટે આવી રહ્યા છે. અહેમદ પટેલ ખુબ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. જેના કારણે અહેમદ પટેલના નિધન બાદ દિગ્ગ્જ નેતાઓ કરતા પટેલની મદદ, મિત્રતા અને સાથ મેળવનારી આમ પ્રજા પણ તેટલી જ સંખ્યામાં અહેમદ પટેલના ઘરની બહાર જોવા મળી રહી છે.
રાજકીય વારસાની અટકળોનો અંત
રાજકારણમાં મોટું કાળ ધરાવતા અહેમદ પટેલના નિધન બાદ રાજકીય વારસાને લઇ તર્કવિતર્ક શરૂ થઇ હતી, પરંતુ પિતાના જાહેર જીવનથી દૂર રહેનારા પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝ સિદ્દીકીએ સોમવારે અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
અહેમદ પટેલના સિદ્ધાંત રાજનીતિ કરવી નહીં, પણ લોકોની સેવા કરવાના હતા
ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે, અહેમદ પટેલના સિદ્ધાંત રાજનીતિ કરવી નહીં, પણ લોકોની સેવા કરવાના હતા. સાંસદ કે ધારાસભ્ય બનીને નહીં પણ પ્રજાના સેવક બનીને અમે તેમના સેવા કાર્યોને આગળ ધપાવીશું.
પિતાની જેમ સાચા લોક સેવક બનીને કાર્ય કરીશું
અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, પિતાની જેમ સાચા લોક સેવક બનીને કાર્ય કરીશું. અમારી પોતાની ફાઉન્ડેશન છે. અહેમદ પટેલ ઘણી જગ્યાએ સામાજિક કાર્ય કરતા હતા, તે અમે આગળ વધારીશું.