કેન્દ્ર સરકારના નાગરિકતા સંસોધન કાયદાના સમર્થનમાં ભરૂચમાં નાગરિક સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકારને સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા સંસોધન બીલ પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે તે કાયદો બની ગયો છે. તો બીજી તરફ NRCપણ લાગુ થવાની તૈયારીમાં છે. આ બન્ને બીલ મુસ્લિમ સમાજની ઉપેક્ષા કરતા હોવાના આક્ષેપ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.
ત્યારે ભરૂચમાં જાગૃત નાગરિક સમિતિ દ્વારા માતરીયા તળાવ ખાતે નાગરિક સંશોધન કાયદાના સમર્થનમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રાણા, પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર ભાજપના આગેવાન જ્યોતિબહેન પંડ્યા, રાજુ પાઠક સહિત ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,જાગૃત નાગરિક સમિતિ નાં આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં CAAઅને NRC તેમજ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા નારા લગાવવામાં આવ્યા હતા તો સાથે જ બંને કાયદાને સમર્થન જાહેર કરતા પ્રસ્તાવનું વાંચન કરવામાં આવ્યું હતું. આ બાદ માતરીયા તળાવથી શક્તિનાથ સુધી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.