- કેમ્પના પ્રથમ દિવસે 1500થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો
- ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રહ્યા ઉપસ્થિત
- વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ
અંકલેશ્વરઃ રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બરના રોજ નિધન થયું હતું, ત્યારે તેઓના નિધનના 40માં દિવસે તેમને શ્રદ્ધાંજલિ આપવા સેવા કાર્ય હાથ ધરાયુ હતું. અહેમદ પટેલના પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમ સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ હતી, ત્યારે તેમના સ્મરણમાં તારીખ 4,5 અને 6 જાન્યુઆરી દરમ્યાન હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ પટેલ, મુમતાઝ પટેલ, હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલ, ચંદ્રેશ પટેલ, ભરુચ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા નાઝુ ફડવાલા તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કેમ્પનો 1500થી વધુ લોકોએ લાભ લીધો
ત્રણ દિવસ ચાલનાર કેમ્પના પ્રથમ દિવસે 1500થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ત્રીઓના તમામ રોગો અને ઓપરેશન, દૂરબીન દ્વારા જનરલ સર્જરી તથા યુરોલોજી-કિડની, પ્રોસ્ટેટ અને પેશાબના રોગોની સર્જરી વિનામૂલ્યે કરવામાં આવનાર છે.
પિતાના સેવાકાર્યોને આગળ ધપાવવા છે: ફૈઝલ પટેલ
આ પ્રસંગે અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલે જણાવ્યુ કે, તેમના પિતા અહેમદ પટેલના સેવાકાર્યને આગળ ધપાવવા તેઓ દ્વારા આ પ્રકારના કેમ્પ અને સેવાકાર્યો અગાઉના દિવસોમાં પણ કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોને સારી આરોગ્યપ્રદ સેવા મળી રહે એ દિશામાં કામગીરી કરવામાં આવશે.
આવા કર્યો જ અહેમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ: પરેશ ધાનાણી
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને હોસ્પિટલના ટ્રસ્ટી જયેશ પટેલે જણાવ્યુ હતું કે અહેમદ પટેલે તેમની રાજકીય સફરમાં અનેક સેવા કાર્યો કર્યા છે ત્યારે આ પ્રકારના કેમ્પ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને તેઓ દ્વારા સ્થાપિત આ હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને ઉત્તમ સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.