- અંકલેશ્વરની મામલતદાર કચેરીના બીજા માળે લાગી આગ
- કચેરીમાં પડેલ GSTની ફાઈલો બળીને ખાખ
- આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી
ભરુચ : અંકલેશ્વરની મામલતદાર કચેરીમાં મોડી રાત્રે 1 કલાકે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં જી.એસ.ટી.ની ફાઈલો બળીને ખાખ થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર જુના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ મામલતદાર કચેરીના બીજા માળે ગત મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કચેરીના બીજા માળ ઉપર પ્રાંત કચેરી તથા જી.એસ.ટી. વિભાગનો રેકોર્ડ રૂમ આવેલ છે. જે પૈકી જી.એસ.ટી.ના રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. આગના કારણે જી.એસ.ટી.ની તમામ ફાઈલો બળીને ખાખ થઇ ગઈ હતી.
બે ફાયર ટેન્ડરે આગ પર કાબુ મેળવ્યો
બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નોટીફાઈડ એરીયા સંચાલિત ડી.પી.એમ.સી.ના ફાયર ટેન્ડર તથા અંકલેશ્વર નગરપાલિકાના ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં જી.એસ.ટી. વિભાગની ફાઈલો સિવાય અન્ય કોઈ કચેરીને નુકસાન ન થતા સહુએ હાશકારો અનુભવ્યો હતો. જો આગ પ્રાંત ઓફિસમાં ફેલાઈ હોત તો અનેક અગત્યના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હોત. આ આગના પગલે મોડી રાત્રે પ્રાંત અધિકારી તથા મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, હાલ આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી.