ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા ૮ પર પહોચી છે. ભાવનગર ખાતે મૈયતમાં ગયેલા પારખેત ગામના મોલવીને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે.
ભરૂચમાં ધર્મપ્રચાર માટે આવેલા તબલીગી જમાતના તમિલનાડુ અને હરિયાણાના 7 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભાવનગર મૈયતના કાર્યક્રમમાં ગયેલા 13 પૈકી પારખેતના મૌલવીનો શનિવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લામાં પોઝિટિવનો આંક 8 પર પહોંચ્યો છે.

પારખેત ગામના પોઝિટિવ કેસની ટ્રાવેલ હિસ્ટરી પર એક નજર કરીએ તો તા. 24-25 માર્ચ દરમિયાન ભરૂચ જિલ્લાના 13 વ્યક્તિઓ ભાવનગર એક મૈયતમાં ગયા હતા. મૃત્યુ પામેલો વ્યક્તિ નિઝામુદ્દીન મરકજથી આવ્યો હતો. જેના પરિવારજનોને ભરૂચના 13 વ્યક્તિઓ મળવા ગયા હતા. આ 13 વ્યક્તિઓ પૈકી 7 વાતરસાના હતા, 1 ટંકારીયા અને 2 પારખેતના, જેઓને ક્વોરન્ટાઇન કરાયા બાદ તેઓનું ટેસ્ટિંગ કરાતા 13 પૈકી 11ના રિપોર્ટ નેગેટિવ આવ્યા, જ્યારે પારખેત ગામના 41 વર્ષીય મૌલવી યુસુફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 1 વ્યક્તિનો રિપોર્ટ હજુ ચકાસણી હેઠળ છે.
પારખેત ગામે કોરોના વાઇરસનો કેસ પોઝિટિવ આવતા સમગ્ર પારખેત ગામને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું છે તો પારખેત ગામની ૭ કી.મી.ની ત્રિજ્યામાં આવતા તમામ ગામોની સરહદ સીલ કરી દેવામાં આવી છે.