- ભૂકંપનું કેન્દ્ર બિન્દુ વાલિયાના કનેરાવ ગામ નજીક
- બપોરે 3.39 મિનિટે ભૂકંપના આંચકાથી લોકો આવ્યા બહાર
- ભરૂચ જિલ્લામાં 50 વર્ષના ગાળામાં ભૂકંપના 51 આંચકા
- જિલ્લામાં કોઈ પણ સ્થળે જાનહાનિના સમાચાર નહીં
ભરૂચઃ ભરૂચની ધરા આજે શનિવારે ફરી એકવાર ધ્રુજી હતી. આજે શનિવારે બપોરના સમયે 3.39 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી 3થી 4 સેકન્ડ સુધી જિલ્લાની ધરા ધ્રુજી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકોને ભૂકંપનો વધુ અહેસાસ થયો હતો. જેથી આ લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. જિલ્લાને ધ્રુજાવનારા આ ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ વાલિયાના કનેરાવ ગામ નજીક હોવાનું બહાર આવ્યું છે. ભૂકંપના કારણે જિલ્લામાં કોઈ પણ સ્થળે ખાનાખરાબી કે જાનહાનિના કોઈ જ અહેવાલ નથી.
ભરૂચમાં વર્ષ 1970માં સૌથી વધુ 5.4 તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રક્ષાબંધનના દિવસે ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચ તથા નર્મદા જિલ્લામાં એપી સેન્ટર હોય તેવા 1970થી 2020 સુધીના 50 વર્ષના ગાળામાં 21 વખત ભૂકંપના આંચકા નોંધાયા છે. બન્ને જિલ્લામાં આવેલા ભૂકંપની મહત્તમ તીવ્રતા 5.4, જ્યારે ન્યૂનતમ તીવ્રતા 2.6 રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે. ભરૂચ શહેરમાં 23 માર્ચ 1970એ આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 રિક્ટર સ્કેલની હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુર 50 વર્ષમાં ભૂકંપના આંચકાના એપી સેન્ટર રહી ચૂક્યાં છે.