ભરૂચ: ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર સફેદ ચંદનનો મોટો જથ્થો ઝડપાયો છે. ભરૂચના વાલિયા તાલુકાનાં રૂંઘા ગામમાંથી નેત્રંગ વન વિભાગ અને ભરુચ એસ.ઑ.જીએ ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. વન વિભાગે વિપુલ પ્રમાણમાં સુખડ, સફેદ ચંદનના જથ્થા સાથે વિમલ મહેતાને ઝડપી પાડ્યો હતો. પોલીસે 35.10 લાખની કિંમતના ચંદનના ગોળ આખા, ટુકડા, ચિપ્સ, પાઉડર સહિત છોલ અને ઔષધીય જડીબુટ્ટી સહિત યંત્ર અને વાહન કબજે કર્યા હતા.
15 દિવસ પહેલા થઈ હતી ચોરી: નેત્રંગ રેંજ ફોરેસ્ટ કચેરી તરફથી પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી સરકારી કે ખાનગી રહેઠાણ વિસ્તારમાંથી છૂટાછવાયા અમૂલ્ય ચંદન ચોરી થવાના ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા હતા. જેમાં ગત 15 દિવસ પહેલા નેત્રંગના હાથાકુંડી મંદિરના વિસ્તારમાંથી તથા જામુનિ ખેતરના વિસ્તારમાંથી ચંદન ચોરોએ રાત્રિના સમયે ચંદનની ચોરી કરી ગયા હતા. જે મામલે નેત્રંગ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ અને એસ.ઓ.જીની ટીમ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે દરોડા: ગત તારીખ 18 ઓગસ્ટના વાલીયાના રૂંધા ગામે ચંદનના વેચાણ અંગે ચોક્કસ માહિતી મળતા મદદનીશ વન સંરક્ષક ભરૂચના માર્ગદર્શન આધારે નેત્રંગ રેન્જનો સ્ટાફે રૂંધા ગામના વિમલ મહેતાના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં તેની પાસેથી મોટી માત્રામાં ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. જે મુદ્દામાલ વનવિભાગે કબજે કરી નેત્રંગ ખાતાકીય ડેપોમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સફેદ ચંદનની ગેરકાયદેસર સંગ્રહખોરીનું નેટવર્ક: વનવિભાગના જણાવ્યા મુજબ આરોપી ચંદન ચોરીમાં ખુબ જ અનુભવી હોવા સાથે શાતીર હતો. આરોપીએ ચંદનના ગેરકાયદેસર સંગ્રહ ખોરી ઉપરાંત વેચાણ માટે નેટવર્ક ચલાવવા રૂંધા ગામે તેના સાસરીયાઓના ગામમાં જ પાકુ મકાન બનાવી આજુ-બાજુના ગામોમાંથી છોટાઉદેપુરથી ડાંગ 250 કિમી કરતા વધુના પટ્ટામાં ખેડુતો પાસે આછા ભાવે ખરીદી ગેરકાયદેસર સંગ્રહ કરતો હતો અને ચંદનના ચોરોના કાયમી નેટવર્કમાં રહી અને ચોરી કરેલ માલની પણ ખરીદી કરતો અને ડિમાન્ડ મુજબ તે યંત્ર (મશીન) થી ગોળ, ટુકડા, ચિપ્સ,પાઉડર સહિત વિવિધ સ્વરૂપે તૈયાર કરતો અને સપ્લાય પણ કરતો હતો.