ભરૂચઃ આમોદના વાતરસા ગામે ત્રણ જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 પર પહોંચી છે. ભાવનગરમાં જમાતના કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોમાં ફરનાર આમોદના વાતરસા ગામના સૂરા તબલીગી જમાતના 3 જમાતીઓને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા ત્રણેય જમાતીઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, તો બીજી તરફ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી વાતરસા ગામને કોરનટાઈન કરવામાં આવ્યું છે અને ગામની આસપાસની સાત કી.મી.ની ત્રિજ્યામાં આવતા તમામ ગામોની સરહદ સીલ કરી દેવામાં આવી છે.
નિઝામુદ્દીન મરકજના મામલા બાદ જિલ્લામાં તમિલનાડુ, હરિયાણા, કર્ણાટકના જમાતના લોકો તેમજ ભાવનગરથી ગયેલા ભરૂચના લોકો સહિત કુલ 112 જણને તંત્રે શોધી હોમ ક્વોરન્ટાઇન કર્યાં હતાં. જે પૈકી અગાઉ 8 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતાં, ત્યાર બાદ વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 11 પર પહોંચી છે, ભરૂચ જિલ્લામાં 5 દિવસમાં જ 11 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યાં છે.