- પાલનપુર તાલુકાનો યુવાન ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયો
- 28 વર્ષનો મહેન્દ્રસિંહ હડિયોલ ઓરિસ્સામાં શહીદ થયો
- શહીદના વતનમાં છવાઈ શોકની લાગણી
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામનો 28 વર્ષનો યુવાન મહેન્દ્રસિંહ મફુસિંહ હડિયોલ ઓરિસ્સા ખાતે ભારતીય સેનામાં ફરજ દરમિયાન શહીદ થયો છે. જેના લીધે સમગ્ર મોટા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, મોટા ગામના 400થી વધુ યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવે છે.
મહેન્દ્રસિંહ ટ્રેનિંગ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં હતા
મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાનું મોટા ગામ દેશભક્તિના પર્યાયરૂપ ગામ છે. આ ગામના 400થી વધુ યુવાનો ભારતીય સેનામાં ફરજ બજાવી માં ભોમની રક્ષા કરી રહ્યા છે. ત્યારે મોટા ગામના હડિયોલ મહેન્દ્રસિંહ ઉર્ફે લાલસિંહ મફુસિંહ પણ છેલ્લાં 10 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યાં હતા. તેઓ હાલ ઓરિસ્સાના ભોપાલપુર ખાતે આર્મી જવાનોને ટ્રેનિંગ આપવા ટ્રેનિંગ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં હતા. એક અઠવાડિયા અગાઉ તેઓ ફરજ પર ઓરિસ્સા પરત ફર્યા હતાં. તેઓ ફરજના સ્થળે પત્ની અને બે બાળકો સાથે રહેતાં હતાં. પરંતુ 28 વર્ષીય જવાન મહેન્દ્રસિંહ ગત રાત્રે અગમ્ય કારણસર છાતીમાં દુઃખાવો ઉપડતા અચાનક જ મોતને ભેટ્યા હતા.
જવાનના નિધનથી તેના વતનમાં શોકની લાગી ફેલાઈ
તેમના નિધનથી તેમના પૈતૃક ગામ મોટા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શહીદ મહેન્દ્રસિંહના પાર્થિવદેહને આવતીકાલે તેમના વતન લવાશે. ઉલ્લેખનીય છે કે થોડાં વર્ષો અગાઉ નકસલીઓનો સામનો કરતાં મોટા ગામનો બળદેવસિંહ નામનો જવાન શહીદ થયો હતો. 13 વર્ષ પહેલાં વર્ષ 2007માં પાલનપુર તાલુકાના મોટા ગામના બલદેવસિંહ નામના જવાન નકસલીઓ સાથેની લડાઈમાં માથાના ભાગે ગોળી વાગતાં શહીદ થયા હતા. ત્યારે આજે ગામનો વધુ એક જવાન શહીદ થવાથી ગામમાં શોકની લાગણી છવાઈ છે.