અંબાજી દાંતા વચ્ચેના માર્ગમાં અકસ્માત સર્જાવાની ઘટના વારંવાર બનતી હતી. જેને લઇ હાલમાં અંબાજી દાંતા વાયા ત્રિશુળીયા ઘાટા માળા માર્ગને પહોળો કરવાની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. જો કે, આ વિસ્તાર પહાડી અને પથ્થરવાળો હોવાથી અનેક મશીનરીઓ અહીંયા લગાવવામાં આવી છે. તેમજ માર્ગના પહાડો કાપવા માટે વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
આ રસ્તા ઉપર કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તેમજ કોઈ કામગીરીમાં અડચણરૂપ વાહન ન થાય તે માટે સૌ પ્રથમ એક મહિના માટે આ માર્ગને બંધ કરવા જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. એક મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ ન થતા કામ વધુ સમય લાગે તેમ હોવાથી માર્ગને વધુ સમય માટે બંધ કરવા માંગ કરાઈ હતી.
જે બાબતે જિલ્લા કલેક્ટરે વધુ એક મહિના માટે અંબાજી દાંતા વાયા ત્રિશુળીયા ઘાટા વાળા માર્ગને બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. એટલું જ નહીં અંબાજી પોલીસે પણ આ પ્રતિબંધિત માર્ગ ઉપર કોઈપણ જાતના વાહનો ન જવા તેમજ આ માર્ગ પ્રતિબંધીત હોવા છતાં કોઈ વાહનો પસાર થશે અને જો કોઇ અકસ્માત સર્જાય તો તેવી હોનારતમાં વીમો મળવાને પાત્ર પણ રહેશે નહીં. તેથી કોઈપણ યાત્રિકો પોતાના વાહનો જોખમ ન લે અને ડાયવર્ઝન આપેલા માર્ગ ઉપર વાહન હંકારવા વિનંતી કરી હતી.
આ અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટામાં વિસ્ફોટક સામગ્રીથી પહાડોમાં બ્લાસ્ટ કરીને તોડવાની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યુ છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા વહેલી તકે કામગીરી પુરી કરી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.