જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના રસ્તામાં આવતા ત્રિશૂલીયા ઘાટમાં આજદિન સુધી અનેકવાર મોટા અકસ્માતો સર્જાયા છે. છેલ્લા છ મહિનામાં જ બે મોટા અકસ્માતોમાં 40થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી અકસ્માત અટકાવવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે.
વારંવાર થતા આવા અકસ્માતો નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં આર.એન.બી, ફોરેસ્ટ, ટેકનિકલ એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ત્રિશૂલીયા ઘાટમાં વારંવાર થતા અકસ્માતો નિવારવા માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. ઉપરાંત સોર્ટ ટાઈમ અને લોંગ ટાઇમ અકસ્માતના ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી.
ત્રિશૂલીયા ઘાટના તાત્કાલિક ઉકેલ માટે પ્રોટેકશન વોલ, સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે કાયમી ઉકેલ માટે ફોરેસ્ટ વિભાગ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધર્યા બાદ ફોરલેન બનાવવામાં આવશે. જેના કારણે ભવિષ્યની દુર્ઘટનાને અટકાવી શકાશે.