- બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ નું આગમન
- ડીસામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદનું આગમન
- ડીસાના ચંદ્રલોક વિસ્તારમાં વિજળી પડતા મહિલાનું મૃત્યું
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતા બનાસકાંઠા જિલ્લો કોરો રહ્યો હતો. ખેડૂતોએ પણ વરસાદના ભરોસે વાવેતર કરી દીધું હતું પણ 15 દિવસ જેટલો સમય વિતી ગયા હોવા છતાં વરસાદ વરસ્યો ન હતો, જેથી ચારેબાજુ વરસાદ ન આવતા લોકો ચિંતાતુર બન્યા હતા. લાંબા સમય બાદ ભારે ઉકળાટ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. શનિવારે મોડીસાંજે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જેથી લાંબા સમય બાદ ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી.
વીજળી પડતા મહિલાનું મૃત્યું
ડીસા સહિત બનાસકાંઠા જીલ્લાના હવામાનમાં બે દિવસથી પલટો જોવા મળ્યો હતો. શનિવારે ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે બે વાગ્યાના સમયે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડતાં ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં વિજાબેન નરેશભાઇ રબારી (ઉ.વ.34) ઓસરીના બહાર બાથરૂમ જવા માટે નિકળ્યા હતાં. જે દરમિયાન અચાનક જ કડાકા સાથે વિજળી તેમના પર પડતા તેઓ જમીન પર પટકાયા હતા. જેથી તેમને તાત્કાલિક ભણશાળી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબિબે વિજાબેનને મૃત જાહેર કર્યા હતાં.
આ પણ વાંચો : અમેરિકામાં ક્રેઇન નીચે દબાતા મુળ નવસારીના સિવિલ એન્જીનીયરનું મોત
બે સંતાનોની માતાનું મૃત્યુ થતા પરિવારમાં શોક
વિજળી પડવાથી વિજાબેન રબારીનું દુઃખદ અવસાન થતાં ધરતી અને પિનલ નામની બાળકીઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.અને બાળકીઓના આક્રદથી સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું. મૃતદેહને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પાટણમાં મકાનની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું મોત, બે ઈજાગ્રસ્ત