બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારની સાથે-સાથે શહેરી વિસ્તારમાં પણ પાણીની અછત જોવા મળી રહી છે. પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં ગત 15 દિવસથી પાણી આવ્યું નથી. જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.
પાણીની તંગીથી કંટાળેલી મહિલાઓનું ટોળુ મંગળવારે નગરપાલિકામાં ધસી આવ્યું હતું. કોરોના વઇરસના કહેર વચ્ચે કોઇપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ વિના મહિલાઓના ટોળાએ પાલિકા પરિસરમાં આવી હંગામો મચાવ્યો હતો.
આ વિસ્તારના રેશમાબેને જણાવ્યું હતુ કે, ગત 15 દિવસથી પાણી નહીં આવતાં અમારે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. એક તરફ કોરોના વાઇરસના કારણે વારંવાર હાથ ધોવાની જાહેરાત કરવામાં આવે છે, તો બીજી તરફ પીવા માટે પણ પાણી મળતું નથી.
આ મહિલાઓના જણાવ્યા અનુસાર બોર ઓપરેટર પાણી છોડવા માટે ઘર દીઠ રૂપિયા 100ની માંગણી કરે છે. જેના કારણે પાણી પણ ઉછીનું લેવું પડે તેવી સ્થીતી સર્જાઇ છે. જો કે, હંગામો થતાં પાલિકા પ્રમુખ અશોક ઠાકોરે મહિલાઓને શાંત પાડી સમજાવી હતી અને ટૂંક સમયમાં પાણીની સમસ્યા નિવારવા ખાત્રી આપી હતી.