બનાસકાંઠા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળામાં મોટો જંગલ વિસ્તાર આવેલો છે. જેસોર, દાંતા અને અંબાજીના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જંગલી પ્રાણીઓનો વસવાટ છે. મોટાભાગે આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ, આ વર્ષે ઓછા વરસાદના કારણે આ જંગલ વિસ્તાર ઉનાળામાં જ વેરાન બન્યો છે. જે કુદરતી પાણીના સ્ત્રોત આ જંગલી પ્રાણીઓને પાણી પુરૂ પડતાં હતા તે પણ સુકાઈ રહ્યા છે. જેના કારણે અત્યારે જંગલ વિભાગ ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરી રહ્યું છે.
બનાસકાંઠાના વન વિભાગમાં પ્રાણીઓ માટે જંગલની અંદર વન વિભાગ દ્વારા ગજલર ટેન્ક બનાવવામાં આવ્યા છે. આ ગજલરમાં ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે. જેથી જંગલી પ્રાણીઓને સરળતાથી પાણી મળી રહે છે. બનાસકાંઠા જિલ્લામાં જેસોર વાઈલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે. ગુજરાતમાં સૌથી વધુ રીંછની સંખ્યા જેસોરમાં છે. જેસોરમાં જંગલી પ્રાણીઓ માટે કુદરતી પાણીના સ્ત્રોત છે પરંતુ, આ વર્ષે ઓછા વરસાદના કારણે કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ ગયા છે. જેથી જેસોર વાઈલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં 30 જેટલા ગજલર જંગલની અંદર બનાવવામાં આવ્યા છે. કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા જંગલ વિભાગે બનાવેલા ગજલર પ્રાણીઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે. મોટા પ્રમાણમાં જંગલી પ્રાણીઓ વન વિભાગ દ્વારા બનાવેલા ગજલર માંથી પાણી પીતા નજરે પડયા છે. હજુ ઉનાળાના ત્રણ મહિના બાકી છે ત્યારે પ્રાણીઓને પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે જંગલ વિભાગ ખડેપગે છે. જંગલમાં બનાવેલા તમામ ગજલરમાં સમયસર પાણી ભરવામાં આવે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે.
ઉનાળામાં પાણીની સમસ્યા જંગલમાં વિકરાળ બની છે. ખોરાક અને પાણીની શોધમાં જ જંગલી પ્રાણીઓ માનવવસ્તીમાં ઘૂસી આવે છે. ઉનાળા દરમિયાન આવા બનાવો અટકાવવા માટે જંગલ વિભાગ તકેદારી રાખી રહ્યું છે પરંતુ, ઉનાળા દરમિયાન આ વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તો આ જંગલી પ્રાણીઓને ખોરાક અને પાણીની કોઈ તકલીફ ન રહે.