ધાનેરા : સરકાર દ્વારા નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે જેનો હેતુ દરેક ઘર ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું એડાલ ગામ કદાચ સરકારની આ યોજનામાં નહીં આવતું હોય. કારણ કે આ ગામમાં એક સાથે 50 થી પણ વધુ પાણીના નળ લગાવવામાં આવ્યા છે પરંતુ દિવસમાં માંડ એકાદ નળમાં એકાદ કલાક જેટલું પાણી આવે છે.
2000 લોકોની વસતી : આ ગામમાં અંદાજિત 2000 જેટલા લોકોની વસતી છે અને છેલ્લા દસ વર્ષથી દર વર્ષે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે 1200 ફૂટ સુધી બોર બનાવવા છતાં પણ પાણી મળતું નથી. જેના કારણે આ વિસ્તારમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને હવે તો પીવાના પાણી માટે પણ લોકોએ વલખા મારવા પડી રહ્યા છે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ આ ગામની મહિલાઓ ચિંતાતુર બની જાય છે કારણ કે ઉનાળામાં પાણીની તીવ્ર તંગી વર્તાય છે .મહિલાઓએ પાણી માટે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે.
આ પણ વાંચો Water Crisis in Porbandar : 12 દિવસથી પાણી વિના ટળવળતા વિસ્તાર, પોરબંદરમાં પાણીની પારાયણ
પાણી માટે કલાકો સુધી ઉભા રહે છે લાઈનમાં : દરરોજ સવાર પડે અને મહિલાઓ પાણીના બેડા ભરવા માટે કતારમાં લાગી જાય છે. ઘરે ગમે તેવું કામ હોય બાળકોએ શાળાએ જવાનું હોય, જમવાનું બનાવવાનું હોય કે પછી કોઈ ઘરકામ હોય તે તમામ કામ છોડીને મહિલાઓએ પીવાનું પાણી ભરવા માટે આ જ રીતે 40 ડિગ્રી ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. જેના કારણે ક્યારેક પાણી ભરવા માટે આવતી મહિલાઓ વચ્ચે ખેંચતા અને ઝપાઝપી થતી હોય છે, વગર ચપ્પલે બાળકો પણ માતા સાથે પાણી ભરવા માટે આવતા હોવાથી ગરમીમાં બીમાર થવાની શક્યતા વધી જાય છે. તો શાળાએ જતી વિદ્યાર્થિનીઓ પણ પાણી ભરવા માટે બબ્બે કલાક સુધી લાઇનમાં ઊભી રહી છે જેના કારણે તેમના અભ્યાસ ઉપર પણ માઠી અસર પડે છે.
વર્ષોથી પાણીની સમસ્યા : આ ગામના લોકો એકાદ બે વર્ષથી નહીં પરંતુ છેલ્લા દસ બાર વર્ષથી આ રીતે પીવાના પાણી માટે હેરાન થઈ રહ્યા છે આ માટે વારંવાર કોંગ્રેસ અને ભાજપના સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે તેમ છતાં પણ આ ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા હલ થઇ નથી. ત્યારે સરકાર આ ગામની મહિલાઓની પરિસ્થિતિ દયા રાખીને પણ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકોની નમ્ર અરજ છે...
વિદ્યાર્થિનીની વેદના : આ બાબતે સ્થાનિક વિદ્યાર્થીની ડિંપલ કાપડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ધોરણ આઠમાં ભણું છું. મારા ગામમાં પાણીની સમસ્યા એ ખૂબ જ મોટી સમસ્યા છે. પાણીની સમસ્યા હોવાથી એવો સમયસર શાળાએ જઈ શકતી નથી અને સમયસર શાળાએ ન જવાથી શિક્ષક પણ અમને બોલે છે ને અમારે ભણતર પણ બગડે છે. આ કારણે અમારે પરીક્ષામાં પણ ઓછા માર્ક્સ આવે છે. એના કારણે અમારા મમ્મી પપ્પા પણ અમને બોલે છે કે પરીક્ષામાં વધુ માર્કસ લાવ પણ અમે કઈ રીતે માર્ક લાવીએ એ સમસ્યા હોવાને કારણે અમે વાંચી પણ શકતા નથી.અમારા હાથ પગ પણ પાણી ઉપાડી ઉપાડીને દુખે છે તે અમારી માંગણી છે કે સરકાર સત્વરે અમને પાણી આપે.
માંડ માટલું પાણી મળે છે : મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક મહિલા રમીલાબેન કાપડિયાએ જણાવ્યું હતું કે અમારે પાણી માટે 50 થી 60 મહિલાઓ. બે થી ત્રણ કલાક સુધી લાઈનમાં ઊભા રહીએ ત્યારે માત્ર એક માટલું પાણી મળે છે. અરે નાના નાના બાળકો હોય બાળકોને ભણવા જવાનું હોય ઘણીવાર પાણી ન હોય તો બાળકો નાહ્યા વગર પણ શાળાએ જાય તો સાહેબો પણ બોલે છે. એટલે અમારે પાણીની ખૂબ સમસ્યા છે એટલે સરકાર અમને પાણીની કંઈક વ્યવસ્થા કરી આપે. અમારે પાણી નથી એટલે અમે પશુપાલન પણ કરી શકતા નથી પશુપાલનને પાણી પણ ક્યાંથી લઈને પીવડાવવું.
એડાલ ગામના આગેવાન શું કહે છે : ગામના આગેવાન ચુનીલાલ કાપડીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારબાદ પાણી જતું રહ્યું છે. ત્યાર પછી અમારા ગામમાં પાણી મળતું નથી. પહેલા અમારે ગામમાં 90 ટકા જેટલી ખેતી થતી હતી. પરંતુ અત્યારે પાણી નથી જેના કારણે અમારા ગામમાં માત્ર 10 ટકા જેટલી પણ ખેતી થતી નથી. ઘણી ખેતી થાય એ ચોમાસું આધારિત ખેતી થાય છે એટલે પાણીની ખૂબ વિકટ પરિસ્થિતિ છે. પીવાના પાણી માટે રોજ કજીયા રહે છે. સરકાર કહે છે કે નળ સે જલ યોજનામાં 24 કલાક પાણી મળશે પરંતુ અમને 8 કલાક પણ પાણી મળતું નથી. અમારા ગામમાં 1800 થી 2000 જેટલી આબાદી છે પણ પૂરતું પાણી મળતું નથી. એટલે સરકાર આગળ વિનંતી કરીએ છીએ કે સરકાર અમને પાણી આપે.