ડીસા બનાસકાંઠાના ડીસા તાલુકાના લુણપુર ગામે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી 8 ગામનો સામૂહિક કુરિવાજો અને વ્યસનોનો તિલાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરબાર સોલંકી સમાજના હજારો લોકોએ સામૂહિક કુરિવાજોને જાકારો આપવા માટે વ્યસન મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
યુવાધન વ્યસનના રવાડે : સમગ્ર ભારતમાં આજે મોટાભાગનું યુવાધન વ્યસનની દિશામાં જઈ રહ્યું છે. એકતરફ અનેક દેશ આજે પ્રગતિના પંથે આગળ વધી રહ્યાં છે તો બીજી તરફ ભારત દેશમાં એવા અનેક રાજ્યો છે કે જ્યાં આજે પણ દિવસેને દિવસે યુવાધન મોટા પ્રમાણમાં વ્યસન તરફ ધકેલાઈ રહ્યો છે. વર્ષોથી ભારત દેશમાં અનેક ગામોમાં વ્યસનો અને કુરિવાજોને લઈ અનેક પરંપરાઓ ચાલી આવતી હતી ખાસ કરીને લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગે વર્ષોથી અફીણ અને અન્ય પદાર્થોના સેવન માટેની પરંપરા ચાલતી હતી જે પરંપરા આજે પણ મોટાભાગના ગામોમાં જોવા મળી રહી છે ખાસ કરીને આ પરંપરા આજે મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે જેમાં અનેક પરિવારો બરબાદ થતાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી
અફીણની પરંપરા : ખાસ કરીને દરબાર સમાજમાં વર્ષોથી લગ્ન અને મરણ પ્રસંગે અફીણની પરંપરા ચાલી આવે છે. ત્યારે હવે જે પ્રમાણે આજે લોકો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે અને અન્ય સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. તે પ્રમાણે દરબાર સમાજમાં પણ શિક્ષણનું પ્રમાણ વધે અને જૂના રિવાજો અને પરંપરાઓ બંધ થાય તે માટે સાધુસંતો દ્વારા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા ધન આજે જે પ્રમાણે નશીલા પદાર્થો તરફ ધકેલાઈ રહ્યું છે. તેને અટકાવવા માટે આજે ખાસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના થકી યુવા ધન ફરી એકવાર વ્યસનથી દૂર રહે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે કાર્યક્રમ થઈ રહ્યા છે.
લુણપુર ગામે વિશાળ શોભાયાત્રા : જે સમાજના યુવાનો દેશની રક્ષાકાજે હર હંમેશ ખડે પગે તૈયાર રહે છે તેવા સોલંકી દરબાર સમાજમાં પણ છેલ્લા ઘણા સમયથી વ્યસન નામનું દૂષણ ઘૂસી ગયું છે અને આ સમાજમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતા કુરિવાજો અને વ્યસનના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યો હતો. ત્યારે જૈન સાધુ ભગવંતોના આશીર્વાદથી હવે ફરી પાછો આ સમાજ વ્યસનથી દૂર થયો છે. જેમાં આજે ડીસા તાલુકાના લુણપુર ગામે વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરાયુ હતું. જે યાત્રામાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતાં અને ગામમાં શોભાયાત્રા નીકાળી હતી.
આ પણ વાંચો કિશોરને એવું તો શું કીધું કે ઘર છોડીને ભાગી ગયો...
વ્યસનથી દૂર થવા બેનરો દર્શાવ્યાં : આ શોભાયાત્રામાં તમામ લોકોના હાથમાં બેનર રાખવામાં આવ્યા હતા જે બેનરમાં કામના લોકો વ્યસનથી દૂર થાય તે માટે સૂત્રોચાર લખી લોકોને સમજાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જે લોકો આજે વ્યસનથી જોડાઈ અને રોજે રોજ મોટા પ્રમાણમાં ખર્ચા કરી પોતાના પરિવારમાં નુકસાન પહોંચાડી રહ્યા છે તે તમામ પરિવારોને આજે વ્યસનથી દૂર રહેવા માટે આ શોભાયાત્રામાં અપીલ કરવામાં આવી હતી. આજે યોજાયેલી આ શોભાયાત્રામાં નાની બાળકીઓ માથે કળશ લઇ હાથમાં બેનરો સાથે ગામમાં ફરી હતી.
નકળંગ ભગવાનના મંદિરે સભા યોજાઈ : વર્ષોથી ચાલી આવતા કુરિવાજો અને યુવાધન વ્યસનથી દૂર થાય તે માટે આજે ડીસા તાલુકાના લુણપુર ગામે આવેલા નકળંગ ભગવાનના મંદિરે જાહેરસભા યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, બહાદૂરસિંહ વાઘેલા, પનસિંગ સોલંકી સહિત સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આજે યોજાયેલી આ સભામાં ગણીવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ વિજયજી મહારાજ સાહેબે લોકોને કુરિવાજો અને વ્યસનથી થતા નુકસાન અંગે ગહનતાથી સમજાવ્યું હતું.
વ્યસનથી મુક્ત થવા પ્રતિજ્ઞા લીધી : ત્યારબાદ તમામ લોકોએ સામૂહિક કુરિવાજોને તિલાંજને આપી વ્યસનથી મુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં લગ્ન મરણ દિવાળી કે બેસતા વર્ષ જેવા પ્રસંગમાં અફીણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગામમાં દારૂ પીવા કે વેચવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ, લગ્નમાં ડીજે કે રિસેપ્શન જેવા કુરિવાજો પણ બંધ કર્યા હતાં, સાથે જ વરઘોડા અને ડાયરામાં પૈસા ઉછાળવા પર અને જુગાર રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતી પ્રતિજ્ઞા લીધી હતી.