- બનાસકાંઠાના કાપરા ગામે કોરોના મહામારી વચ્ચે રમેલનું આયોજન
- નાના કાપરા ગામે રમેલમાં ભુવા ધૂણાવી ટોળા એકત્ર કરતા ફરિયાદ
- રમેલના આયોજક, ભુવાજી, મંડપ અને સાઉન્ડવાળા સહિત 5 સામે ફરિયાદ
બનાસકાંઠા: જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અત્યારે કોરોના વાઈરસના ભરડામાં છે અને રોજે-રોજ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવામાં લાખણી પાસે આવેલા નાના કાપરા ગામે બે દિવસ અગાઉ વિહત માતાજીના મંદિરે રમેલનું આયોજન કરાયું હતું. કોરોના મહામારી હોવા છતાં પણ આમંત્રણ પત્રિકાઓ છપાવી લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મોડી રાત્રે રમેલમાં ભુવા ધુણતા લોકોના ટોળા એકત્ર થયા હતા. આ કાર્યક્રમમાં અનેક લોકોએ માસ્ક પણ ન પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું.
આ પણ વાંચો: ઘોઘંબા તાલુકા ભાજપના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, પોલીસે ગુનો નોંધ્યો
રમેલના આયોજક, ભુવાજી, મંડપ અને સાઉન્ડવાળા સહિત 5 સામે ફરિયાદ
જે રમેલમાં ભુવા ધૂણતા હોવાના વીડિયો વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. રમેલના આયોજક સહિત ભુવાજી, મંડપ અને સાઉન્ડવાળા સહિત કુલ 5 લોકો સામે લાખણી પોલીસ મથકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમીક ડિસિઝ એકટ મુજબ ફરિયાદ નોંધાઈ છે. એક તરફ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોના વધેલા સંક્રમણના કારણે દિવસે ને દિવસે કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આવા કેસોને અટકાવવા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે પરંતુ કેટલીકવાર લોકો કોરોના વાઈરસને ભૂલી જાય મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરતા હોય છે અને જેના કારણે કોરોના વાઈરસના કેસોમાં વધારો થવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્યારે ખરેખર આવા સમયે લોકોએ પણ જાગૃત થઈ ભીડ ન એકત્રિત કરવી જોઈએ.
આ પણ વાંચો: સુરતમાં ભાજપના નેતાની પુત્રીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
આરોપીઓના નામ
1.પીરાભાઈ મોહનભાઇ રાઠોડ, આયોજક
2.વાલાભાઈ સેધાભાઈ રાઠોડ, ભુવાજી
3.વિનોદભાઈ દાનાભાઈ રબારી, ભુવાજી
4.દિનેશભાઇ ગોવાભાઈ પંચાલ, સાઉન્ડવાળા
5.કમાભાઈ રાવતાજી ઠાકોર, મંડપવાળા