બનાસકાંઠા: કોરોના વાઇરસ મામલે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકોને મહત્વની સલાહ આપતા નજરે પડ્યા હતા. ગેનીબેને લોકોને હાથ જોડી દારૂ બંધ કરવાની અપીલ કરી હતી એટલું જ નહીં પરંતુ દારૂ પીધા બાદ લોકો મહિલાઓ પર અત્યાચાર કરે છે અને અત્યાચારના પરિણામે લોકો કોરોના જેવી મહામારીનો સામનો કરવો પડતો હોવાનું પણ જણાવ્યું હતું.
કોરોના વાઇરસ મામલે હાલમાં બનાસકાંઠા જિલ્લો રેડ ઝોનનમાં છે અને જિલ્લામાં કોરોનાના 65 કેસો સામે આવ્યા છે. તેવામાં આજે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ભાભરના સનેસડા ગામે લોકોને દારૂ બંધ કરવાની સલાહ આપી હતી. એટલું જ નહીં પરંતુ દારૂના અડ્ડાઓ મામલે ગેનીબેન ઠાકોરે પોલીસ પર પણ કટાક્ષ કર્યો હતો અને જો ધારાસભ્ય ખૂદ જ દારૂ બંધ કરાવવા પોલીસને માહિતી આપે છે. ત્યારે પોલીસ ખુદ દારૂના અડ્ડા વાળાઓને પહેલાથી જાણ કરી દે છે. ત્યારે આવા સમયમાં લોકોએ જાતે જ દારૂના અડ્ડાઓ બંધ કરી લોકોને અને ગામને વ્યસન મુક્ત કરવાની બે હાથ જોડીને વિનંતી કરતા નજરે પડ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દારૂના કારણે જ કોરોના વાઇરસ પણ કહેર વર્તાવી રહ્યો છે. કારણ કે દારૂ પીધા બાદ લોકો મહિલાઓ પર અત્યાચાર કરતા હોય છે અને એ મહિલાઓના નિશાસાના પરિણામ સ્વરૂપે કુદરત કોપાયમાન થતા આવા રોગ લોકોને ભરખી રહ્યા છે તેમ લોકોને ચેતવ્યા હતા.