બનાસકાંઠાઃ એક તરફ બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસને ખતમ કરવા લોકડાઉનની પરિસ્થિતિ છે, જેથી અધિકારીઓ રોગચાળાને અટકાવવા માટે લોકડાઉનનો કડક અમલ કરાવવા દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ વડગામ તાલુકા વિકાસ અધિકારી મહિલા તલાટીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં આ તાલુકા વિકાસ અધિકારી એ.એચ.પરમાર દ્વારા મહિલા તલાટીને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતી હતી તેમજ તેના વોટ્સએપ પર મેસેજ કરી વારંવાર બિભત્સ માંગણી કરવામાં આવતી હતી, ત્યારે ઉપરી અધિકારીની આવી કરતૂતોથી કંટાળેલી મહિલાએ બે દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી, ત્યારબાદ સોમવારના રોજ મહિલા તલાટીએ વડગામ પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારી સામે છેડતી મામલે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ થતાં જ પોલીસે કરેલી પ્રાથમિક તપાસ દરમિયાન જ RTO દ્વારા અન્ય મહિલા કર્મચારીઓ સાથે પણ આ પ્રકારની ઘટનાઓ બની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જે મામલે હવે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે, અને આવા લંપટ અધિકારીને કડક સજા થાય તેવી મહિલા કર્મચારીઓની માંગ છે.