બનાસકાંઠાઃ હાલમાં હિન્દુ ધર્મનો પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરેક હિન્દુ ધર્મના લોકો આ સમગ્ર મહિના દરમિયાન ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારે આ વર્ષે ડીસાની એક મહિલાએ ભગવાન ભોળાનાથની અનોખી પૂજા કરી હતી.
હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર મહિનો શ્રાવણ માહિનાને માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આસ્થા અને ભક્તિનું એક અનેરૂ મહત્વ રહેલું છે, પરંતુ હિન્દુ ધર્મના લોકો સૌથી વધુ પૂજા-અર્ચના શ્રાવણ માસના એક મહિના સુધી કરતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન લોકો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બની એક મહિના સુધી તેમની પૂજા-અર્ચના કરે છે.
સમગ્ર મહિના દરમિયાન ભગવાન ભોળાનાથને રિઝવવા માટે ભોળાનાથના ભક્તો દ્વારા અલગ-અલગ પ્રકારે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે, ત્યારે ડીસાના મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા રીંકુબેન ઠક્કર કે જેઓ છેલ્લા 15 વર્ષથી ભગવાન શંકરની માટીની મૂર્તિ બનાવી શ્રાવણ માસમાં એક મહિના સુધી તેમની પૂજા-અર્ચના કરે છે. તેઓ ભગવાન શંકરની અલગ અલગ માટીની મૂર્તિ બનાવે છે અને સવાર સાંજ ભગવાન ભોળાનાથની ભક્તિમાં આખો પરિવાર જોડાય છે.
આ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે ભગવાન ભોળાનાથના મંદિરે લોકો પૂજા કરવા ઓછા જાઇ છે અને જે લોકો ભગવાન ભોળાનાથના મંદિરે પૂજા અર્ચના કરવા માટે જાય છે, તે લોકો ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખી પૂજા અર્ચના કરે છે.
કોરોના વાઇરસને કારણે ભગવાન ભોળાનાથના પૂજારીઓ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ વર્ષે પોતાના ઘરે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવી. છેલ્લા 15 વર્ષથી પોતાના ઘરે જ ભગવાન ભોળાનાથની મૂર્તિ બનાવી પૂજા અર્ચના કરતા રીંકુબેને જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે તેના કારણે લોકોમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેથી બધાએ જાતે જ ભગવાન ભોળાનાથની મૂર્તિ બનાવી અને એક મહિના સુધી ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરવી જોઈએ.