- ઓક્સિજન વગર અનેક દર્દીઓના મોત
- બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત
- ડીસામાં ઓક્સિજનની અછત વચ્ચે રાજુભાઈ શાહની અનોખી સેવા
- લોકો પણ વખાણી રહ્યા છે રાજુભાઈ શાહની આ સેવા
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે હાલમાં કોરોના દર્દીઓને સારવાર ન મળતાં મોત થયા હોવાના સમાચાર સામે મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે અને સૌથી વધુ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ અછતના કારણે અત્યાર સુધી અનેક દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે.
24 કલાક પ્લાન્ટ પર લોકોની અવર-જવર રહે છે
ડીસામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ થઈ ચૂક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સતત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે એક બાદ એક કોરોના દર્દીઓના મોત થઈ રહ્યા છે. સતત વધી રહેલા કોરોના દર્દીઓના કારણે હાલ લોકોને સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજનની હોય છે. લોકો ઓક્સિજન મેળવવા માટે ઓક્સિજન પ્લાન્ટ પર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે. 24 કલાક પ્લાન્ટ પર લોકોની અવર-જવર રહે છે. ત્યારે આવા સમયે લોકોને સમયસર ઓક્સિજન મળી રહે તો આવનાર સમયમાં અનેક લોકોના જીવ બચી શકે તેમ છે.
આ પણ વાંચો: શું લાકડાની અછતને કારણે અંતિમ સંસ્કાર મોંઘા થઈ ગયા છે?
ડીસામાં ઓક્સિજનની અછત વચ્ચે રાજુભાઈ શાહની સેવા
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કોરોનાનો રાફડો ફાટ્યો છે. તેવામાં સૌથી વધુ કોરોનાના દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે અને જો સમયસર ઓક્સિજન ન મળતા અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. તેવામાં ડીસામાં ઓક્સિજન સપ્લાયર તરીકે કામ કરતા રાજુભાઇ શાહ અત્યારે લોકોને ઓક્સિજન પૂરો પાડવા માટે દિન-રાત મહેનત કરે છે અને કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા અદા કરી રહ્યા છે. રાજુભાઈ શાહને રોજના 300થી પણ વધુ ફોન કોલ્સ આવે છે. તમામ લોકો એકમાત્ર ઓક્સિજનની માંગ કરતા હોય છે. અત્યારે ઓક્સિજનની અછત હોવાના કારણે તમામ લોકોને ઓક્સિજન પૂરો પાડવો એ પણ એક મોટી સમસ્યા છે, તેવામાં રાજુભાઇ શાહ દર્દીઓની સારવાર માટે ઓક્સિજન મળી રહે તે માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
રાજુભાઈ જાતે જ પાલનપુરમાં જઈ અને લાઈનોમાં ઉભા રહે છે
રાજુભાઈ શાહ સવારે 6 વાગ્યાથી રાતના 4 વાગ્યા સુધી સતત તેઓ ઓક્સિજન લઈ દરેક હોસ્પિટલ-હોસ્પિટલ ફરી અને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડી રહ્યા છે. અત્યારે ઓક્સિજનની અછત હોવાના કારણે અનેક જગ્યાએ કાળા બજાર થતાં તેના ભાવ વધી ગયા છે, પરંતુ રાજુભાઈ એ જ જૂના ભાવે અત્યારે ઓક્સિજનના સિલિન્ડરો ગ્રાહકોને આપી રહ્યા છે. રાજુભાઇ શાહની કામગીરીને લોકો એક સાચા કોરોના વોરિયર્સ તરીકે આવકારી રહ્યા છે. સતત વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે ઓક્સિજન પૂરો પાડવા માટે રાજુભાઈ જાતે જ પાલનપુરમાં જઈ અને લાઈનોમાં ઉભા રહે છે. બીજી તરફ સતત હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સેવા કરતા હોવાના લીધે રાજુભાઈ પોતાના પરિવારથી પણ દૂર રહે છે. જેના કારણે પોતાનો પરિવાર સુરક્ષિત રહે. આજે જ્યાં લોકો કોરોના વાઈરસની મહામારીમાં સેવા કરવી તો દૂર પરંતુ ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, ત્યારે આવા સમયે ખરેખર રાજુભાઈ શાહની આ સેવા પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો: ડીસામાં કોરોના વાઇરસની મહામારીમાં સેવા કરતા યુવકોની સેવાને આરોગ્ય અધિકારીએ ગણાવ્યું રાજકારણ
રાજુભાઈ શાહની આ સેવા લોકો પણ વખાણી રહ્યા છે
કોરોના સમયે લોકો દર્દીઓનો લાભ ઉઠાવી ઓક્સિજન આપવામાં કાળા બજારી કરી રહ્યા છે. આજે પણ લોકો ઓક્સિજન જરૂરિયાત લોકો સુધી પહોંચાડવા માટે મોટા ભાવ લઈ રહ્યા છે, ત્યારે આવા સમયે ડીસાના ત્રણ હનુમાન મંદિર પાસે ઓક્સિજન સપ્લાયર તરીકે ફરજ બજાવતા રાજુભાઇ શાહની અનોખી સેવાથી લોકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારથી કોરોનાકાળમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ છે ત્યારથી રાજુભાઇ શાહ એક જ ભાવમાં ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચાડી રહ્યા છે.
24 કલાક દુકાન ખુલ્લી રાખી કરે છે સેવા
24 કલાક પોતાની દુકાન ખુલ્લી રાખી અને રાજુભાઈ તેમની દુકાન પર આવેલા તમામ લોકોને ઓક્સિજન પૂરો પાડી રહ્યા છે, ત્યારે આ બાબતે અહીં ઓક્સિજનની બોટલ લેવા આવેલા દર્દીના સગાએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે લોકો હાલમાં કોરોના દર્દીઓ પાસે ઓક્સિજનની બોટલ પહોંચતા સમયે ઊંચા ભાવ લઈ રહ્યા છે. તેની સામે રાજુભાઇ શાહ માત્ર ઓક્સિજનનો જે ભાવ ચાલતો હોય તે ભાવે ઓક્સિજન આપી રહ્યા છે.