- બનાસકાંઠામાં કોરોના રસીકરણનું મહાઅભિયાન શરૂ
- પાલનપુર પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીએ બનાવી અનોખી મોબાઈલ એપ્લિકેશન
- સ્કેન કોડને મોબાઈલ દ્વારા સ્કેન કરવાથી રસી લેવા આવનારા વ્યક્તિને પોતાના નંબરની થશે જાણ
- આ એપ્લિકેશનથી લોકોનો સમય બચશે અને ફાયદો પણ થશે
બનાસકાંઠા: કોરોના વાઇરસની મહામારી દરમ્યાન લોકો ભારે હાલાકી ભોગવી ચુક્યાં છે અને હવે જ્યારે વેક્સિનેશન કાર્યક્રમ સમગ્ર ભારતભરમાં યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો દરમ્યાન કોરોના વેક્સિન લેવા માટે પણ લોકોને આખો આખો દિવસ લાઇનોમાં ઊભા રહેવું પડે છે અને કેટલીક વાર તો લાઈનમાં આખો દિવસ ઊભા રહ્યા બાદ પણ નંબર ન આવતા લોકોને ધક્કા થતા હોય છે. જિલ્લામાં આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે હાલમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં સો ટકા રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. લોકો ત્રીજી શહેરના ભયના કારણે હાલમાં મોટી સંખ્યામાં રસીકરણ કરાવી રહ્યા છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા પાલનપુરના વિદ્યાર્થીએ એક એપ્લિકેશન બનાવી છે.
પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીએ બનાવી એપ્લિકેશન
પાલનપુરની સરકારી પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતા નૈલેશ પરમાર નામના એક વિદ્યાર્થીએ વેક્સિનેશન દરમિયાન લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી જાય તેવી મોબાઇલ એપ્લિકેશન બનાવી છે. તેમાં વેક્સિનેશન સેન્ટર પર એક સ્કેન કોડ લગાવવામાં આવે છે. જે સ્કેન કોડને મોબાઈલ દ્વારા સ્કેન કરવાથી રસી લેવા આવનાર વ્યક્તિનો કેટલામો નંબર છે તે મોબાઈલમાં ડિસ્પ્લે બતાવે છે. જો તેનો નંબર આવવામાં કલાક જેટલો સમય લાગી શકે તેમ હોય તો તે ત્યાં સુધી અન્ય કામકાજ પતાવી શકે છે. જેનાથી સમયની પણ બચત થાય છે અને તે દરમ્યાન તેના મોબાઇલ પર સતત અપડેટ પણ મળતુ રહે છે કે હવે તેની આગળ કેટલા વ્યક્તિનું વેક્સિનેશન બાકી છે. અંતે જ્યારે ૫ નંબર બાકી હોય ત્યારે મોબાઈલમાં મેસેજ દ્વારા એલર્ટ પણ મળે છે. જેથી સમયસર વેક્સિન સેન્ટર પર પહોંચીને રસી મૂકાવી શકાય છે.
આ મોબાઈલ એપ્લિકેશનથી લોકોને ફાયદો થશે
પાલનપુર સરકારી પોલીટેકનીક કોલેજમાં ઈલેકટ્રીકલ વિભાગમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ પટેલે કોરોના વેક્સિનેશન સેન્ટરો પર ભીડ જોઈ ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે, આવી કોઈ એપ્લિકેશન બનાવી શકાય કે કેમ જેનાથી લાઇનમાં ઉભા રહેવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. તેઓએ વિદ્યાર્થી નૈલેશ પરમારને વાત કરતા તેણે આ એપ બનાવવા સતત ૧ માસ સુધી કામ કરીને અંતે સફળતા મેળવી છે.