- ચાલુ વર્ષે ડીસા તાલુકામાં નહિવત વરસાદના કારણે પાણીની સમસ્યા શરૂ
- ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂતની અનોખી પહેલ
- શેરપુરા ગામમાં આવેલા પોતાના ખેતરમાં ૧૩ લાખના ખર્ચે બનાવી છે ખેત તલાવડી
- વરસાદી પાણીના સંગ્રહ કર્યા બાદ એક વર્ષ દરમિયાન દસ વીઘા માં ખેડૂત કરશે ખેતી
- ચોમાસાના પાણીનો કેવી રીતે સદુપયોગ કરવો તે માટે ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે
બનાસકાંઠાઃ ચાલુ વર્ષે જિલ્લાના અનેક તાલુકાઓમાં નહીવત વરસાદને કારણે તેની સીધી અસર આ વર્ષે ઉનાળામાં જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણી વગર લોકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે, તો બીજી તરફ વર્ષોથી સારા પાણીનું નામ ધરાવતો ડીસા તાલુકો પાણી માટે વલખા મારી રહ્યો છે. ગત વર્ષે ડીસા તાલુકામાં નહિવત વરસાદના કારણે ગામમાં ખેતી માટે અનેક પીવાના પાણી માટે મોટી સમસ્યા સર્જાઇ છે. ડીસા તાલુકામાં આવેલા અનેક ગામોમાં પાણીનું તળિયું 1,200 ફૂટ ઉંડું જતું રહ્યું છે. જેના કારણે ડીસા તાલુકાના અનેક ગામોમાં ખારું પાણી આવવા લાગે છે. આ ખારા પાણીના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકો પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવાની જરૂર પડી રહી છે, ત્યારે હજુ પણ જો આ વર્ષે વરસાદ નહીં થાય તો ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની મોટી સમસ્યા થઇ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે, અને તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી લાવવું પડે છે. ડીસા તાલુકાના શેરપુરા ગામમાં એક જાગૃત ખેડૂતે સરકાર કે કુદરત સામે લાચાર બનીને મદદ માગવાના બદલે ચોમાસામાં વિખરાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય, તે માટે પોતાના ખેતરમાં ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. શેરપુરા ગામમાં રહેતા અણદાભાઈ જાટ પોતે ખેડૂત છે અને અત્યારે ધુણસોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની શેરપુરા ગામમાં દસ વીઘા જમીન છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ ઉંડા જતાં તેઓ પણ સિંચાઈ માટે પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, તેવામાં અણદાભાઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર બનવાની વાત યાદ આવે છે અને બસ તેઓએ સરકાર સામે મદદ માગવાના બદલે કે પછી કુદરત સામે લાચાર બની હાજી કરવાને બદલે જાતે જ આનો હલ કરવાનું વિચાર્યું. તેઓએ પોતાની જમીન પર બોર બનાવવાના બદલે પોતાના સ્વખર્ચે ખેત તલાવડી બનાવવાનું વિચાર્યું. આજે તેઓએ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ માણી ગામના આગેવાનોના હસ્તે ખેતરમાં કે તલાવડી બનાવવાનો શુભારંભ કર્યો છે.
આ પણ વાંચોઃ UNની કોવેક્સ પહેલ હેઠળ કોરોના વેક્સિન મેળવનારો ઘાના પ્રથમ દેશ બન્યો
દસ વીઘા જમીનમાં 100 બાય 100 અને 20 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે
આ અંગે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા ખેત તલાવડી બનાવનાર અણદાભાઈ જાટે જણાવ્યું હતું કે તેમને પોતાની દસ વીઘા જમીનની અંદર 100 બાય 100 અને 20 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી રહ્યા છે. જેનું કામ અંદાજિત 20 થી 25 દિવસ સુધી ચાલશે. આ તલાવડી બન્યા બાદ તેમાં 56 લાખ લિટર જેટલો ચોમાસામાં વેડફાઇ જતાં પાણીનો સંગ્રહ થશે અને આ પાણીથી તેઓ દસ વીઘા જમીનમાં પાકને 40 વખત પાણી આપી શકશે, એટલે કે આખું વર્ષ આરામથી ખેતી કરી શકશે. તેમને આ તલાવડી બનાવવાનો ખર્ચ 13 થી14 લાખ રૂપિયા થશે.
આ પણ વાંચોઃ ડીસાના ખેડૂતની અનોખી કેળાની ખેતી, અનેક ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ
ચોમાસાના પાણીનો કેવી રીતે સદુપયોગ કરવો તે માટે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે
બનાસકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓ આ વર્ષે નહિવત વરસાદના કારણે પાણી વગર વલખા મારી રહ્યા છે. ડીસા તાલુકામાં આવેલા અનેક કામોમાં હાલમાં પાણી વગર ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. ખેડૂતોએ પીવા અને ખેતી કરવા માટે પાણીની રાહ જોઇને બેસી રહેવું પડે છે અને તેમાંય વળી જે પાણી જમીનમાંથી બહાર આવે છે, તે પાણી હાલમાં ખારું મીઠા જેવું પાણી આવી રહી છે,જેના કારણે ખેતી થઈ શકતી નથી. ઉલ્લેખનીય છે કે અત્યારે સામાન્ય નુકસાન થતા કે ખેત પેદાશનો ભાવ ન મળતાં ખેડૂતો સરકાર સામે સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે. પરંતુ શેરપુરા ગામના અણદાભાઈ જાટ જેવા પ્રગતિશીલ ખેડૂતો આત્મનિર્ભર બનવા માટે સરકાર સામે મદદ માગવાને બદલે જાતે જ પોતાની સુજબુજથી અનોખો પ્રયાસ કરતા હોય છે. ત્યારે અણદાભાઈ જાટનું આ ભગીરથ અને અનોખું કાર્ય આવનારા સમયમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
નહિવત વરસાદના કારણે ડીસા તાલુકાના અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા
શેરપુરા ગામે રહેતા ખેડૂત ઉત્તમભાઈ સુથારે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે ડીસા તાલુકામાં નહિવત વરસાદના કારણે ડીસા તાલુકાના અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે. પરંતુ શેરપુરા ગામમાં રહેતા ખેડૂત અણદાભાઈ જે ખેત તલાવડી બનાવી રહ્યા છે. તેના કારણે આવનારા વર્ષમાં વરસાદી પાણી ભરાવાના કારણે તેમને એક વર્ષ સુધી પાણી મળી રહેશે અને જેના કારણે તેમને પાણીની સમસ્યા રહેશે નહીં. આ વિચારના કારણે અણદાભાઈને આવનારા સમયમાં મોટો ફાયદો થઈ શકે છે, ત્યારે તેમની આ ઉમદા કાર્યથી પ્રેરણારૂપ બની આ ગામના અન્ય ખેડૂતો પણ ખેત તલાવડી બનાવી વરસાદી પાણીથી ખેતી કરશે તો આવનારા સમયમાં પાણીનો મોટા પ્રમાણમાં બચાવ થઈ શકે તેમ છે.