- બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો
- ભાભર પાસે અકસ્માતમાં બે ના મોત
- માતમના પ્રસંગે જઈ પરત ફરતા નડ્યો અકસ્માત
બનાસકાંઠા: ભાભર- સુઇગામ હાઇવે પર ત્રણ સવારી બાઇક સ્લીપ ખાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર માતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. બનાવને પગલે ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
![ભાભર પાસે અકસ્માતમાં બેના મોત, એક ઘાયલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-04-aksmat-gj10014_08022021180347_0802f_1612787627_445.jpg)
નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો રોજ સામે આવી રહ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે જે પ્રમાણે અકસ્માતો વધી રહ્યા છે, તેમાં મોટા પ્રમાણે બાઈક સવારોના અકસ્માતો જોવા મળી રહ્યા છે. રોજ સર્જાતા નાના-મોટા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો ઘાયલ થયા છે. અનેક લોકો મોતને પણ ભેટે છે. પોલીસ દ્વારા વારંવાર સુરક્ષિત વાહન ચલાવવા માટે ઝૂંબેશ કરવામાં આવતી હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ભાભર પાસે અકસ્માતમાં બેના મોત
ભાભર સુઈ ગામ હાઈવે પર આવેલ હરિધામ ગૌશાળા પાસે આજે બાઇક સ્લીપ ખાતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયા હતા. જેમાં સૂઇ ગામ તાલુકાના ઉચોસણ ગામનો ઠાકોર પરિવાર મૈયતમાંથી ત્રણ સવારી બાઈક પર પરત ફરી રહ્યો હતો. તે સમયે હરિરામ ગૌશાળા પાસે અચાનક બાઈકચાલક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. અકસ્માતમાં બાઇક પરથી રોડ પર પટકાતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા માતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. આ અકસ્માતમાં જાસુબેન હમજીભાઈ બેનપા અને વિપુલ બળવંત બેનપાનું મોત નીપજયું હતું. જયારે અન્ય એક વ્યક્તિ ઈશ્વર હમજીભાઈ બેનપાને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેમજ રાહત કામગીરી શરૂ કરી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડયો હતો. બનાવને પગલે ભાભર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બંને મૃતકોની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૈયતમાંથી પરત ફરી રહેલા માતા-પુત્રનું અકસ્માતમાં મોત થતા ઠાકોર પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.