બનાસકાંઠા: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આવા સમયે સૌથી સારી કામગીરીઓ પોલીસ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પરિવારથી દુર રહી લોકો સુરક્ષિત રહે તે માટે કોરોના વાઈરસની લડાઈમાં લોકોની સેવા આપી રહ્યા છે.
ત્યારે સમગ્ર વિશ્વ હાલ આવા આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ માટે કંઈક અલગ જ સન્માન જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરવામાં આવતા આરોગ્ય વિભાગમાં સનસનાટી મચી છે.
જેમાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા 38 એફએસડબલ્યુ, 32 એમ. પી. એચ. ડબલ્યુ ,12 એમપીએચએસ, 8 એફએચએસ, 7 લેબ ટેક અને 3 ફાર્મસિસ્ટની બદલી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર વહીવટી સરળતા ખાતર કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અચાનક 100 જેટલી બદલી થતાં આરોગ્ય વિભાગમાં પણ અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સીએ અગાઉ પણ અને બેજવાબદાર અને ફરજ પર બેદરકારી દાખવનાર અનેક મેડિકલ ઓફિસરો અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. ફરી એકવખત કોરોનાની કામગીરી વચ્ચે ૧૦૦ જેટલા કર્મચારીઓની બદલી કરી સપાટો બોલાવતા બેદરકાર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.