- ડીસાના ફૂવારા સર્કલથી ગાયત્રી મંદિર વચ્ચે ભૂગર્ભ ગટર લાઇનના ખોદકામથી વેપારીઓ પરેશાન
- ખોદકામ દરમિયાન પાણીની પાઇપ લાઈન તૂટી જતાં હજારો લીટર પાણી રોડ પર વેડફાયું
- પાણી બાજુમાં આવેલી સોસાયટીઓમાં ફરી વળતા સ્થાનિક લોકોમાં નારાજગી
- ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ
ડીસા: શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે ડીસામાં છેલ્લા ઘણા સમયથી લોકો ગંદા પાણીથી પરેશાન થઈ રહ્યા હતા. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 70 કરોડના ખર્ચે ડીસા શહેરના તમામ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ડીસા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડીસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં ડીસા શહેરના તમામ જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.
ભૂગર્ભ ગટર લાઇનના ખોદકામથી વેપારીઓ થયાં ત્રસ્ત
જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ થતાંની સાથે જ છે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ભૂગર્ભ ગટરના કામકાજ દરમિયાન ડીસા શહેરના તમામ જાહેર રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે ચાર રસ્તા ઉપરથી પસાર થવામાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ક્યારેક તો રાત્રિના સમયે ચાર રસ્તા ઉપર ખાડા પડવાના કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે.
ખોદકામ દરમિયાન પાઈપલાઈન તૂટી જતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું
બનાસકાંઠા જિલ્લો આમ તો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોને પાણીની મોટી સમસ્યાનો દર વર્ષે સામનો કરવો પડે છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા હાલમાં ડીસા શહેરના વિકાસ માટે ભૂગર્ભ ગટરનું કામકાજ કરવામાં આવી રહ્યું છે. જેમાં ડીસાના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિર સામે છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભ ગટરનું કામ કાજ ચાલી રહ્યું છે. આ ભૂગર્ભ ગટરના કામકાજ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રોડનો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે પાણીની મેઈન પાઈપલાઈન તૂટી જતા રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું અને જોતજોતામાં ખાડામાંથી પાણી બહાર નીકળી જતા સવાર સુધી તો આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું.
ગ્રાહકો વેપારીઓની દુકાન સુધી ન પહોંચતા દુકાનદારોને નુકસાન વેઠવાનો આવી રહ્યો છે વારો
ડીસા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી અંદાજીત 100 જેટલી દુકાનો આવેલી છે અને વર્ષોથી આ દુકાનદારો નાના-મોટા ધંધા કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા આ જાહેર રસ્તો ખોદી દેવામાં આવતા અહીંના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. એક પણ ગ્રાહક તેમની દુકાન સુધી પહોંચી ન શકતા હાલમાં દુકાનદારોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે તો બીજી તરફ પાણીની પાઈપલાઈન તુટી જતાં પાણીનો પ્રવાહ દુકાન તરફ વહેતો થયો હતો. જેના કારણે હાલમાં આ વ્યાપારીઓને પોતાની દુકાન પડવાનો ડર પણ સતાવી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક દુકાનદારોની માગ છે.
પાઇપલાઇનનું પાણી સોસાયટીઓમાં ફરી વળતા સ્થાનિક લોકોમાં નારાજગી
ડીસાના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિર સામે ચાલી રહેલ ભૂગર્ભ ગટરના કામકાજ દરમિયાન આજે પાણીની પાઈપલાઈન તૂટી જતા પાણી આજુબાજુની સોસાયટીઓમાં વહેતું થયું હતું. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. એક તરફ આ વિસ્તારમાં વર્ષોથી પાણીની મોટી સમસ્યા છે ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણીની પાઈપલાઈન તૂટી જતાં તમામ પાણી રસ્તા ઉપરથી સોસાયટીઓમાં પ્રવેશ કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા આ બાબતે કોન્ટ્રાકટરને કહેવા જતાં કોન્ટ્રાક્ટર અને સ્થાનિક લોકો આમને સામને આવી ગયા હતા. ત્યારે હાલ તો આ વિસ્તારમાં આવેલા દુકાનદારો તેમજ બાજુમાં આવેલી સોસાયટીઓ ની એક જ માગ છે કે, તાત્કાલિક ધોરણે આ રોડનું કામકાજ પૂર્ણ કરવામાં આવે જેથી આવનારા સમયમાં પોતાના ધંધા-રોજગાર ફરી એકવાર ધમધમતા થાય.