- બનાસકાંઠાના ખેડૂત પુત્રએ બનાવી અકસ્માત શોધતી મશીનની પેટર્ન
- વ્હીકલ અકસ્માતનું નિવારણ લાવવા ખેડૂત પુત્રનું સરાહનીય પગલું
- ત્રણ મહિનાની મહેનત બાદ તાયીર કર્યું અકસ્માત નિવારણ મશીન
બનાસકાંઠા: થરાદના અંતરિયાળ વિસ્તાર વામી ગામના ખેડૂતના પુત્ર ભવ્ય જોષીએ MSC સુધીનો અભ્યાસ કર્યો છે. પોતાની આવડતનો ઉપયોગ કરીને ભવ્યએ અકસ્માત નિવારણ માટે મશીનની એક પેટર્ન બનાવી છે. જેને વાહનમાં લગાવવાથી જો ચાલક નશામાં કે ઊંઘમાં હશે તો વાહન ઓટોમેટીક બંધ થઈ જશે અને બઝર વાગશે જેથી અકસ્માતનો ભય ટળી જશે.
ભારતમાં અકસ્માતોની વાત કરીએ તો, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના 2018ના રિપોર્ટ અનુસાર વર્ષે 4 લાખ 67 હજાર 44 અકસ્માત થયા હતા. જેમાં 1 લાખ 51 હજાર 417 લોકોના મોત થયા હતા જ્યારે 4 લાખ 69 હજાર 418 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે લોકો અકસ્માતના કારણે પોતાની સામાન્ય જિંદગી જીવી શકતા નથી. ભારતમાં સરેરાશ અકસ્માતની વાત કરીએ તો રોજ 1280 જેટલા અકસ્માત થાય છે. જેમાં 415 લોકોના મોત થાય છે. દર કલાકે 53 અકસ્માત થાય છે અને 17 લોકો પોતાની જિંદગી ગુમાવે છે. અકસ્માતમાં 16 બાળકો રોજ મૃત્યુ પામે છે. દેશમાં અકસ્માતનું પ્રમાણ બહુ ઝડપીથી વધી રહ્યું છે અને તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. માર્ગ અકસ્માત એ વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી સમસ્યા છે. જેને લઈને ભવ્ય જોષીએ અકસ્માત નિવારવા કરવા અને તેને શોધવા માટે મશીનની એક પેટર્ન તૈયાર કરી છે.
આ મશીનની વાત કરીએ તો આ મશીનનું મુખ્ય કાર્ય અકસ્માતની ઘટનાને અટકાવવા અને અકસ્માતની સ્થિતિમાં સંબંધિત લોકોને એલર્ટ સિગ્નલ પુરા પડવાનું અને અકસ્માત શોધવાનું કાર્ય કરે છે. આ મશીન ડ્રાઈવરની સ્થિતિ ઉપર નજર રાખે છે. આ મશીનમાં અનેક ડિવાઈસનો ઉપયોગ કરાયો છે. જેમાં ઓડિયો યુનો બોર્ડનો ઉપયોગ કરાયો છે. જે કેન્દ્રીય નિરીક્ષણ અને નિયંત્રણ ઉપકરણ છે. જેમાં વિવિધ અર્થપૂર્ણ અને ભયજનક સંદેશા પ્રતિત કરવા માટે LCD ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં આલ્કોહોલ સેન્સરનો ઉપયોગ કરાયો છે. જો ડ્રાઈવર આલ્કોહોલીક હશે તો મશીન તેની જાણ કરશે અને ગાડીનું એન્જીન ઓટોમેટિક બંધ થઈ જશે અને બઝર ચાલુ થશે તેમજ સંબંધિત વ્યક્તિને મેસેજ જશે કે ડ્રાઈવર નશામાં છે. આ ઉપરાંત આ મશીનની અંદર આઈ બલીન્ક સેન્સરનો ઉપયોગ કરાયો છે. જે વાહન ચાલક ઊંઘે છે કે જાગે છે તેની જાણ કરશે. જો ચાલક ઊંઘતો હશે તો ઓટોમેટિક ગાડીનું એન્જિન બંધ થઈ જશે અને બઝર વાગશે તેમજ સંબંધિત વ્યક્તિને મેસેજ જશે. આ સિવાય આ મશીનમાં ટેમ્પરેચર સેન્સરનો પણ ઉપયોગ કરાયો છે. જે ગાડીનું તાપમાન વધારે હશે તો ઓટોમેટિક ગાડીને બંધ કરી દેશે. આ સિવાય આ મશીનમાં Accelerometer sensorનો ઉપયોગ કરાયો છે, જેથી તે ગાડીની X અને Y સ્થિતિ જાણશે. જો વાહન ચાલકની ગાડી કોઈ એકબાજુ નામવાની સ્થિતિમાં હશે તો બઝર વાગશે અને સંબંધિત વ્યક્તિને મેસેજ જશે. આ ઉપરાંત આ મશીનમાં લોન્ગીટ્યુડ અને લેટીટ્યુડનો ઉપયોગ કર્યો હોવાથી જો અકસ્માત સર્જાય તો અકસ્માત ક્યાં થયો છે તેનું લોકોશન તેમજ કેવા પ્રકારનો થયો છે તેની સંપૂર્ણ માહિતી પોલીસને તેમજ સંબંધિત વ્યક્તિને આપશે. જેના કારણે તાત્કાલિક મદદ અને સારવાર મળી રહેશે.
સામાન્ય ખેડૂતના પુત્રે આ અનોખા મશીનની પેટર્ન બનાવતા તેના પિતાએ તેમજ ગામના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે, સરકાર આ મશીની પેટર્નને મંજૂરી આપે જેના કારણે આ મશીન દરેક વાહનોમાં લાગી શકે અને અકસ્માત થતાં અટકે અને લોકોના જીવ બચી શકે. ભવ્ય જોષી દ્વારા અકસ્માત નિવારવા માટેના મશીની પેટર્ન બનાવીને અકસ્માત નિવારવા માટેનું એક સપનું જોયું છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ પેટર્નને પાસ કરે છે કે કેમ?