બનાસકાંઠાઃ આજે સમગ્ર વિશ્વ કાળખુમા કોરોના નામની વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.

કેન્દ્ર અને રાજય સરકારના દિશા-નિર્દેશો પ્રમાણે સરકારી સેવામાં સંખ્યાં બંધ કર્મયોગીઓ રાત-દિવસ રાષ્ટ્રકસેવામાં જોતરાયેલા છે. આજે આપણે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા ગામ સેદ્રાસણના મણિલાલ કાનજીભાઈ પરમારના ત્રણ સંતાનોની સેવાની.
સેદ્રાસણાના મણિલાલ પરમારના પરિવારમાં કુલ ચાર સંતાનો છે જેઓ વિવિધ જગ્યાએ અત્યારે સેવાઓ આપી રહ્યા છે. ચાર સંતાનો પૈકી ત્રણ સંતાનો તો અત્યારે કોરોના વોરીયર્સ તરીકે મેડીકલ અને પોલીસ વિભાગમાં સેવાઓ આપી રહ્યા છે. કોરોનાના ગંભીર રોગથી લોકોને સુરક્ષિત અને સલામત રાખવા આ ત્રણ સંતાનો અથાક મહેનત કરી રહ્યા છે. સૌથી નાની પુ્ત્રી અંજનાબેન મણિલાલ પરમાર એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ ખાતે નર્સ તરીકે પોતાની સેવા આપે છે.

અંજનાએ જી.એન.એમ. નર્સિગનો કોર્ષ કર્યા બાદ છેલ્લા ચાર વર્ષથી વાડીલાલ હોસ્પીટલ સહિત અમદાવાદમાં વિવિધ જગ્યાએ સેવા આપી છે. અંજનાના મોટાબહેન હેતલબેન મણિલાલ પરમાર નવસારી ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તથા તેમના સૌથી મોટાભાઈ જીતુભાઈ મણિલાલ પરમાર ઝાયડસ કેડીલા કંપનીમાં મેડીકલ વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે.
બીજાભાઇ ભરત પરમાર ધાનેરા તાલુકાના નાનામેડા ગામમાં શિક્ષક તરીકે સેવા આપી બાળકોના ઘડતરનું કામ કરી રહ્યા છે. આમ, ત્રણ ભાઇ-બહેન રાષ્ટ્રતસેવાનું કામ કરી રહ્યા છે. મણિલાલ પરમાર ટોરેન્ટ પાવર કંપનીમાં સેવા આપી તેમના ધર્મપત્ની શ્રીમતી મેનાબેન સાથે નિવૃત્ત જીવન ગાળે છે. જયારે ચાર સંતાનો પોત પોતાના ક્ષેત્રમાં મહેનત અને ધગશથી આગળ વધી રહ્યા છે.
પાલનપુર તાલુકાના નાનકડા ગામ સેદ્રાસણના વતની અને હાલ અમદાવાદની હોસ્પીટલમાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતાં અંજનાબેને કહ્યું હતું કે, દર્દીઓની સારવારમાં હોઇએ ત્યારે પીપીઇ કીટ પહેર્યા પછી ચારથી પાંચ કલાક સુધી પાણી, નાસ્તો કે વોશરૂમ પણ જઇ શકાતું નથી. પરંતું આજે સમગ્ર વિશ્વ કોરોના નામની બિમારી સામે ઝઝુમી રહ્યું છે, તો હું પણ મારી ફરજમાં પાછી રહું એ ના ચાલે. મારા માતા-પિતાની મહેનતના લીધે અમે આજે ચાર ભાઇ-બહેન સેવારત છીએ. હું અને મારા મોટાભાઇ જીતુભાઇ અમે અમદાવાદ એકલા રહીએ છીએ. તેઓ પણ મેડીકલ ફિલ્ડમાં છે અને હું તો સીધા કોરોના પોઝીટીવ દર્દીઓની સારવારમાં હોવાથી અમે ઘરે પણ અલગ અલગ રૂમમાં ક્વોરોન્ટાઇન રહી અમારી ફરજ બજાવીએ છીએ.
કોરોનાનું નામ સાંભળતા જ લોકો દૂર ભાગે છે તેવા સમયમાં કોરાના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા આ પરિવાર પર સેદ્રાસણ ગામ, પાલનપુર તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લો અને રાષ્ટ્ર ગૌરવ અનુભવે છે. આ પરિવારની સેવાભાવના આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. આવી વૈશ્વિક મહામારી સામેના જંગમાં ઝુકાવી પોતાની ફરજ નિભાવતા આ પરિવારના યોધ્ધાઓને બનાસવાસીઓ અભિનંદન આપી બિરદાવી રહ્યા છે અને મણિલાલ પરમારના અણમોલ રત્નોને લાખ લાખ સલામ પણ કરી રહ્યા છે.