ડીસા: સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન ખુલતાની સાથે જ રોજબરોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી અનેક નાની-મોટી ચોરીઓની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાવાસીઓ રોજેરોજ બનતી ચોરીની ઘટનાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા દક્ષાબેન નટવરજી ઠાકોર પોતે ડીસા ખાતે આવેલા વડલીફાર્મ ખાતે પોતાના પિયર ગયા હતા. જે તકનો લાભ લઇ અજાણ્યા તસ્કરો તેમના બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં પડેલાં 40 હજાર રૂપિયા રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના અને તેમના મકાનના દસ્તાવેજ લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે તેમના પાડોશમાં રહેતા ડાહીબેન ઠાકોર દ્વારા તેમના મકાનના તાળા તૂટ્યા છે તે અંગેની જાણ દક્ષાબેનને કરતા દક્ષાબેન તાત્કાલિક તેમના પિયરથી પોતાના ઘરે દોડી આવ્યા હતા. આવીને દરવાજો ખોલતા જ તેમના મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જે બાદ તાત્કાલિક ધોરણે દક્ષાબેનએ પોતાના મકાનમાં થયેલી ચોરી અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યાં ડીસા દક્ષિણ પોલીસે દક્ષાબેનના જણાવ્યા પ્રમાણે ચોરીની ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.