- દિયોદરમાં વધુ એક ચોરીની ઘટના આવી સામે : દૂધ મંડળીમાં 1.50 લાખની ચોરી
- બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં વધારો
- દિયોદરમાં છેલ્લા એક મહિનામાં 10થી પણ વધુ ચોરી
બનાસકાંઠા: જિલ્લામાં દિન-પ્રતિદિન ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં ડીસા ધાનેરા અને દિયોદરમાં ચોર ટોળકી સક્રિય બની છે અને એક પછી એક મોટી મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચોર ટોળકી સરકારી કચેરીઓ તેમજ દુકાનો અને મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીની ઘટના અંજામ આપી રહ્યા છે અને જાણે પોલીસથી કોઈ જ ડર રહ્યો ન હોય તેમ ચોરીની ઘટનાને એક બાદ એક અંજામ આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઈ હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
દિયોદરમાં છેલ્લા એક મહિનામાં 10થી પણ વધુ ચોરી
બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાને લઇને હાલમાં સૌથી વધુ ચોરીની ઘટના દિયોદરમાં સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એક જ મહિનામાં 10થી પણ વધુ ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. દિયોદરમાં એક મહિનામાં મકાન, મંદિર અને સરકારી દૂધ મંડળીઓમાં પણ ચોરીની ઘટના સામે આવી રહી છે. ચોરોને જાણે દિયોદરમાં ચોરી કરવાનું સહેલું લાગી રહ્યું હોય તેમ એક જ મહિનામાં 10 જેટલી મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. દિયોદરમાં ચોર ટોળકી અને જાણે દિયોદર પોલીસથી કોઈપણ પ્રકારનો ડર ન હોય તેમ મોટી મોટી ઘટનાને અંજામ આપી રહ્યા છે.
દિયોદર દૂધમંડળીમાં રૂ. 1.50 લાખની ચોરી
દિયોદરમાં સતત વધતી જતી ચોરીની ઘટના બાદ વધુ એક ચોરીની ઘટના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે સામે આવી છે. સમગ્ર ચોરીની ઘટનાની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે ચોર ટોળકી સક્રિય બની હતી અને દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આવેલ દૂધ મંડળીમાં રાત્રિના સમયેનો લાભ લઇ અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં મંડળીમાં પ્રવેશ કર્યા બાદ ચોરોને રોકડ રકમ હાથમાં ન આવતા આખરે ચોર ટોળકીએ મંડળીમાં પડેલા કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રીક વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ સવારે દૂધ મંડળી ખોલતા થઈ હતી. જે બાદ થોડીવાર તો આટલી ચોરીથી સંતોષ ન હોય તેમ ગામમાં આવેલા ATM તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ATM તોડવામાં ચોર નિષ્ફળ રહ્યા હતા. આ ચોરીની ઘટનાની જાણ દૂધ મંડળીના ચેરમેન દ્વારા સવારે દિયોદર પોલીસને કરતાં દિયોદર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન દૂધ મંડળીમાં રૂપિયા 1.50 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. ચોરીની ઘટના CCTVમાં પણ કેદ થઇ હતી. જેથી આ સમગ્ર ઘટના બાબતે હાલ દિયોદર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોર ટોળકીને ઝડપવા લોકોની માગ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં છેલ્લા એક મહિનામાં સૌથી વધુ ચોરીની ઘટના સામે આવી રહી છે. ચોરો એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. દિયોદરમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઇ હાલમાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે દિયોદર પોલીસ રાત્રે દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારે અને સતત ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી દિયોદરના સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.