- બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં વધારો
- બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો પાણીના ટાંકામાંથી મળ્યો મૃતદેહ
- પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો મૃતદેહ તેના જ ઘરના પાણીના ટાંકામાંથી મળી આવતા ચકચાર મચ્યો છે. બનાવને પગલે આુસપાસના લોકો અને ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં વધારો
બનાસકાંઠા જિલ્લોએ આમ તો સમગ્ર ગુજરાતમાં પછાત જિલ્લો માનવામાં આવે છે. તો જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હાલમાં હત્યા અને આત્મહત્યા જેવી ગુનાહિત પ્રવૃતિઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ આત્મહત્યા જેવી ગંભીર ઘટનાને અજામ આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ હત્યાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો નાની નાની બાબતોમાં હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અજામ આપી રહ્યા છે. ત્યારે સતત વધી રહેલી ગુનાહિત પ્રવૃતિઓની ઘટનાને પગલે જિલ્લામાં ભય જોવા મળી રહ્યો છે.
બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો પાણીના ટાંકામાંથી મળ્યો મૃતદેહ
ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો તેના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ડીસાની સરસ્વતી સોસાયટી ખાતે રહેતા ધવલ ઠક્કર નામના 29 વર્ષીય યુવક મેડિકલનો વ્યવસાય કરતો હતો. જે બે 15 ડિસેમ્બરે ઘરેથી અચાનક ગુમ થઈ જતા તેના પરિવારજનોએ ડીસા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન ગુરુવારે વહેલી સવારે યુવકના પરિવારજનો બ્રશ કરી રહ્યા હતા, તે સમયે પાણીમાંથી દુર્ગંધ આવતા તપાસ કરતા પાણીના ટાંકામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ટાંકાની અંદર જોયું તો પોતાના 29 વર્ષીય દીકરાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે મૃતકના મૃતદેહની જાણ પોલીસને કરી બહાર કાઢવામાં આવી હતી. પોતાના દીકરાનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ઘેરાશોકની લાગણી છવાઈ હતી.
પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ કરતા આસપાસના લોકો અને પોલીસ પણ આવી પહોંચી હતી. તેમ જ યુવકના મૃતદેહને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ બનાવ અંગે ડીસા દક્ષિણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.