- બનાસકાંઠામાં પાથાવાડા પાસે સરલા પ્રાથમિક શાળામાં અકસ્માતનો ભય
- ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોનો પણ કોઈ નિકાલ નહીં
- પોતાની રજૂઆતોને કોઈ વાચા ન મળતા ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી
- જ્યાં સુધી સુવિધા પૂર્ણ ન કરાય ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવશે
બનાસકાંઠાઃ એક તરફ ગુજરાત સરકારે ધોરણ 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાળા ખોલવાની મંજૂરી આપી છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાની અંદર પાંથાવાડા પાસે આવેલી સરવા પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળું મારી દીધું છે. ગ્રામજનોની માગણી છે કે, શાળામાં પૂરાણ કરી તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો જ શાળાનું તાળું ખૂલશે. કારણ કે, શાળા પાસેથી પસાર થતો હાઈવે હાઈટમાં બન્યો હોવાના કારણે શાળા નીચાણમાં જતી રહી છે અને હાઈવેના કામ દરમિયાન શાળાનો કોટ પણ તૂટી ગયો છે. આથી બાળકોનો અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે તેવામાં તાત્કાલિક ધોરણે આ શાળાને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે અને પૂરાણ કરી ઊંચી કરવામાં આવે તેવી માગણી સાથે આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી.
બાળકોના અકસ્માતના ભયને પગલે વાલીઓ અને ગ્રામજનોએ શાળાને તાળું મારી દીધું છે. તેવામાં હવે તંત્ર વાલીઓની વાત સાંભળી બાળકોના હિત માટે શાળામાં પુરાણ કરી પ્રોટેક્શન વોલ બનાવે તે વધુ ઈચ્છનીય છે.
બાળકોનું ભવિષ્ય સારું રાખવું હોય તો અમારી માગ તાત્કાલિક પૂર્ણ કરોઃ ગ્રામજનો
હાલ તો આ ગામના લોકોની એક જ માગ છે જે તાત્કાલિક ધોરણે જો આ શાળાના બાળકોનું ભવિષ્ય સારું રાખવું હોય તો તાત્કાલિક આ ગામની તમામ માંગણી પૂર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી તેમની માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ શાળાને ખોલવામાં આવશે નહીં.