બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા પાસે આવેલા સામરવાડા ગામમાં શનિવાર બપોરના સમયે એક મકાનની સિમેન્ટના પતરા વાળી છત ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં જેતપુરી ગોસ્વામીના મકાનની છત અચાનક ધરાશાયી થતાં ઘરમાં રહેલા 3 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
આ બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડાયા હતા. કાટમાળ નીચે દટાતા અને ગૂંગળામણને કારણે નાની નેનુબેન ગોસ્વામી અને દોઢ વર્ષીય ભાણેજ અર્જુનપુરીનું મોત થયું હતું. જ્યારે મકાનમાલિક જેતપુરી ગોસ્વામીને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં આવી બીજી ઘટના સામે આવી છે. 20 દિવસ અગાઉ જ પાલનપુર તાલુકાના સેજલપુર ગામે પણ મકાનની દીવાલ ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા હતા. ત્યાર બાદ શનિવારે ફરી સામરવાડા ગામે પણ મકાનની છત ધરાશાયી થતા બે લોકોના મોત થયા છે. ત્યારે આવા જર્જરિત મકાન મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી ઘટનાઓને બનતા અટકાવી શકાય છે.
બનાસકાંઠાઃ સેજલપુર ગામે બની ગોઝારી ઘટના, દીવાલ ધરાશાયી થતા 3ના મોત, 11 ઈજાગ્રસ્ત
8 સપ્ટેમ્બર - પાલનપુર તાલુકાના સેજલપુર ગામે સોમવારે જર્જરિત દીવાલ ધરાશાયી થતાં 2 બાળકો સહિત મહિલાનું મોત થયું છે. બાંધકામ દરમિયાન અચાનક જ જર્જરિત દીવાલ ધરાશાયી થતા 11 લોકો દટાયા હતા. જે પૈકી ગર્ભવતી મહિલા સહિત 3 લોકોના મોત થયાં છે.