- તરસ્યાને જળ આ ઉમદા ભાવનાથી વડનગરના રિક્ષાચાલક ઉત્તર ગુજરાતના પેસેન્જરોની છુપાવી રહ્યા છે તરસ
- 2012થી શરૂ કરેલી આ સેવા આજે પણ અવિરતપણે ચાલી
- રિક્ષાચાલક દિલીપભાઇ જેવી વિચારસરણી રાખે તો સમાજમાં રિક્ષાચાલકોનું માન સન્માન સવિશેષ થઇ શકે
બનાસકાંઠાઃ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શિપોર ગામના રિક્ષા ચાલક દિલીપભાઇ રાવલ રહે છે. પરિવારમાં પત્ની અને ત્રણ દીકરી અને એક દિકરાને વેલસેટ કર્યા પછી પણ રિક્ષા દ્વારા ગુજરાન ચલાવતા તેમણે રિક્ષામાં પાણીની ટાંકી ફીટ કરી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને હિંમતનગર જ્યાં વર્ધી મળે ત્યાં બારેમાસ મીનરલ, બરફ કે પછી સાદુ પાણી પીવડાવી વિનામૂલ્યે લોકોની તરસ છીપાવી જળસેવા કરી પૂણ્યનું ભાથું કમાઇ રહ્યા છે.
આ અંગે દિલીપભાઇએ જણાવ્યું કે, ઉનાળાની ૠતુમાં પાણી માટે વલખા મારતા લોકોને જોઇ મનમાં થયું કે, જો રિક્ષાને જ પરબ બનાવી દઉં તો કેટકેટલાં લોકોની તરસ છૂપાવી શકાય છે. આથી રિક્ષાના પાછળના ભાગે 100 લીટર પાણી સમાય તેવી ટાંકી ફીટ કરી છે અને બે પાછળ અને એક ડ્રાયવર સીટની બાજુમાં એમ ત્રણ નળ મુક્યા છે. 2012થી શરૂ કરેલી આ સેવા આજે પણ અવિરતપણે ચાલી રહી છે. ઉનાળામાં પાણીની જરૂર વધુ રહે છે. દિવસમાં 500 લીટર પાણી લોકો પીવે છે. જ્યારે ચોમાસા, શિયાળામાં તેનાથી અડધું પાણી વપરાય છે. જો ક્યાકથી મિનરલ વોટર મળે તો પ્રથમ તેનો આગ્રહ રાખુ છું. નહીતર બરફનું ઠંડું પાણી અને અંતરિયાળ વિસ્તારમાં પાણી ખલાસ થઇ જાય તો શુધ્ધ સાદુ પાણી ટાંકીમાં ભરૂ છુ. લોકો તરસ્યાને પાણી પાવા માટે પરબો બંધાવે છે. ત્યારે મારી આ નાનકડી સેવાથી મને ખુબ આત્મસંતોષ મળી રહ્યો છે.
પત્નિ સુરતમાં હિરાના વ્યવસાય સાથે સંકળાઇ નારી સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે
દિલીપભાઇ રાવલને સંતાનોમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમના લગ્ન કરી દીધા છે અને વેલસેટ થઇ ગયા છે. એમના પત્નિ જયાબેન સુરતમાં હિરાના વ્યવસાય સાથે સંકળાયી નારી શક્તિનું ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.
અન્ય રિક્ષાચાલકો માટે દિલીપભાઈ પ્રેરણાસ્ત્રોત સમાન
આજના કળયુગમાં માનવી માત્ર પૈસા કમાવવામાં જ રચ્યો પચ્યો રહે છે, ત્યા દિલીપભાઈ જેવા વ્યક્તિઓ પૈસાથી વધુ મહત્વ જનસેવાને આપી રહ્યાં છે. જો દરેક રિક્ષાચાલક દિલીપભાઇ જેવી વિચારસરણી રાખે તો સમાજમાં રિક્ષાચાલકોનું માન સન્માન સવિશેષ થઇ શકે તેમ છે.