બનાસકાંઠા : એશિયાની નબંર વન ગણાતી બનાસડેરીના 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી માટે હાલ ઉમદેવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી તારીખ 30મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર નોંધાવવાનો સમય છે. ત્યારે હાલ બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે વાઇસ ચેરમેન માવજી દેસાઈ સાહિત ભાજપના આગેવાનો આવતા જ શંકર ચૌધરી પોતાની ગેમ શરૂ કરી દીધી હતી. જેમાં રાધનપુર, સુઇગામ,વાવ , સાતલપુર અને દાંતીવાડા બેઠક બિન હરીફ કરવા ત્યાંથી જ મતદારોને પોતાના સમર્થનમાં સાહેલગાહે રવાના કરી દીધા છે. તો ડીસામાં વાઇસ ચેરમેન માવજી દેસાઈ પોતાનું ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં 130 મતદારોમાંથી 55 મતદારોને સાહેલગાહે રવાના કરી દઈ માવજી દેસાઈને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
જોકે, ચૂંટણીમાં જ્યારે વાઇસ ચેરમેન માવજી દેસાઈ સહિત ભાજપના કેટલાક આગેવાનો ચેરમેન શંકર ચૌધરી સામે પડતા જ શંકર ચૌધરી પોતાનો દાવ અજમાવી પોતાના સમર્થક ડિરેકટર ચૂંટાઈ આવે તે માટે અત્યારથી જ એડીચોટીનો જોર લગાવી દીધો છે. તેમજ મતદારોમાંથી કોઈ ઉમેદવારીપત્ર ન ભરે તે માટે મતદારોને જ સાહેલગાહે મોકલી દેતા સમગ્ર જિલ્લાના રાજકીય સમીકરણો બદલાઈ જવા પામ્યા છે. જોકે, આજદિન સુધી હજુ એકપણ ઉમેદવાર પોતાના ઉમેદવારીપત્ર રજૂ કર્યા નથી. તેમજ આવનાર તા. 29 અને 30 મી એમ બે દિવસમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. જોકે, ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.