બનાસકાંઠાઃ કોરોના વાઇરસની લડાઈમાં ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને લોકો ઘરમાં રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
કોરોના સામેની લડાઇમાં લોકો સુરક્ષિત રહે તે માટે ગુજરાતની તમામ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો રાત દિવસ મહેનત કરી શહેરને સાફ કરે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હજુ સુધી એક પણ કોરોના વાઇરસનો કેસ આવ્યો નથી. કોરોનાનો એક પણ કેસ બનાસકાંઠા જિલ્લામાં ન આવે તે માટે બનાસકાંઠા જિલ્લાનું તંત્ર રાત દિવસ મહેનત કરી રહ્યું છે, પરંતુ ડીસામાં પણ એવા કેટલાય વિસ્તારો છે કે, જ્યાં સફાઈ કરવામાં આવી નથી.
ડીસાના બેકરીકુવા વિસ્તારની તો આ વિસ્તારમાં હાલ 500થી પણ વધુ પરિવારો રહે છે અને આ વિસ્તારની બાજુમાંથી આજુબાજુની સોસાયટીનું ગંદુ પાણી આ વિસ્તારમાંથી પસાર થાય છે. જેના કારણે હાલ કોરોના વાઇરસથી વધારે આ વિસ્તારના લોકોને આ ગંદા પાણીથી વધારે બીક લાગે છે.
આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ ગંદા પાણીની સમસ્યા અમારા વિસ્તારમાં છે, ત્યારે આ બાબતે અમારા વિસ્તારના લોકો દ્વારા ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ જ પ્રકારની સફાઈ કરવામાં આવી નથી.
જેના કારણે હાલ મોટી બીમારી ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી રહી છે, ત્યારે ડીસા નગરપાલિકાના તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે નહીંતર આગામી સમયમાં કોઈ પણ પ્રકારની મોટી બીમારી ફેલાશે તો તેની તમામ પ્રકારની જવાબદારી નગરપાલિકાની રહેશે.