બનાસકાંઠાના ભાભર શહેરના આઝાદ ચોકમાં સોના-ચાંદીની દુકાન ધરાવતા વેપારી સાગરચંદ ઠક્કર પોતાની દુકાન બંધ કરીને ઘરે જતા હતા. ત્યારે બાઈક ઉપર બુકાની બાંધીને આવેલા બે શખ્સોએ તેમના ખભે લટકાવેલી બેગની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. વેપારીની બેગમાં સોના-ચાંદીના દાગીના જેમાં સોનાના 730 ગ્રામ દાગીનામાં મંગળસૂત્ર, બુટ્ટી, ઓમ,લોકેટ, ડોડી, ચેઇન, ઝુમ્મર, ગોખરુ તેમજ 500 ગ્રામ ચાંદી અને રોકડ 80 હજાર રૂપિયા મળી કુલ 19 લાખ 25 હજારનો મુદ્દામાલ હતો. લૂંટની ઘટના બાદ વેપારીએ ભાભર પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જેમાં પોલીસે ભાભરના જ એક સોની વેપારીને ત્યાં કામ કરતો મુકેશ ઠાકોરની અટકાયત કરી તેની આકરી પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકલાયો હતો. જેમાં ભાભરમાં સોની વેપારીને ત્યાં કામ કરતા મુકેશ ઠાકોરને પૈસાની જરૂર હોય તેને તેના મિત્ર વાસુભા રાઠોડ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવી બે સગીર વયના બાળકો જોડે સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો.ભાભર પોલીસે મુકેશ ઠાકોર અને વાસુભા રાઠોડ સહિત બે સગીરવયના આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટનો મુદામાલ અને લૂંટમાં વપરાયેલ બે બાઇકો સહિત 20,11,573નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને વધુ તપાસ હાથધરી છે..