બનાસકાંઠાઃ જિલ્લાના બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકા દ્વારા શહેરના વોર નંબર-3માં આવેલા વિસ્તારોની કરવામાં આવી રહેલી ઉપેક્ષાથી કંટાળીને સોમવારે આ વિસ્તારના એક રહીશે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પાલિકા દ્વારા આગામી 48 કલાકમાં આ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પાલિકા કચેરીમાં જ આત્મવિલોપન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.

ડીસામાં વોર્ડ નંબર-3 વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે. વોર્ડ નંબર-3ની આસપાસના વિસ્તારની ગટરોનું પાણી તેમના વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે, અને આ ગંદા પાણીના લીધે આ વિસ્તારની ગટરો પણ ઉભરાઇ રહી છે. આ સમસ્યાને લઈ સ્થાનિકોએ પાલિકા કચેરીમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં ના આવી હોવાના લીધે હવે અકળાયેલા આ લોકોએ સોમવારે ડીસા નગરપાલિકામાં થાળીઓ વગાડી લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.
યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો જ્યારે ડીસા નગરપાલિકા કચેરી પર પહોંચ્યા ત્યારે તેમની રજૂઆત સાંભળવા માટે પ્રમુખ કે ચીફ ઓફિસર કોઇ હાજર ન હતા. જેને લઈ હવે આ વિસ્તારના કમલેશ ઠક્કર નામના યુવાને પાલિકાની આ ઘોર ઉપેક્ષાથી તંગ આવીને આગામી 48 કલાકમાં જો પાલિકા દ્વારા તેમના વિસ્તારની સફાઈ કરવામાં નહીં આવે તો પાલિકા કચેરીમાં જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ડીસા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-3ની કરવામાં આવેલી ઉપેક્ષાથી આ વિસ્તારમાં સફાઈના પ્રશ્નો સતત ઉદભાવી રહ્યાં છે. પરંતુ તેમ છતાં પાલિકા દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં ના આવતા હવે આ વિસ્તારના રહીશો આત્મવિલોપન કરવા પર ઉતરી આવ્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે, પાલિકા આ અલ્ટિમેટમને કેટલું ગંભીરતાથી લે છે. શું પાલિકા આ વિસ્તારની સમસ્યા દૂર કરાવશે? શું સોમવારે જે યુવકે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે તે વ્યક્તિ કામ નહી થાય તો આત્મવિલોપન કરશે?