ભાભરઃ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને તેના કારણે તમામ ધંધારોજગાર ઠપ જેવા થઈ ગયાં છે. જેમાં સૌથી વધુ ખરાબ હાલત ગરીબ લોકોની થઈ રહી છે. ત્યારે આ મંદીના દોરમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કડવા લીમડાની લીબોળીઓ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત બન્યો છે. બનાસકાંઠા જિલ્લાનુંં ભાભર માર્કેટયાર્ડ હાલમાં લીંબોળીના ઢગલાાઓથી ઉભરાયું છે. લોકોને લીબોળીઓના ભાવ સારા મળતાં હોવાથી ભાભર સહિત સરહદી સૂઇગામ, વાવ વિસ્તારના ગામડાંઓમાંથી લોકો વાહનોમાં મોટી સંખ્યામાં લીબોળીઓ વેચવા માટે અહીં આવે છે.
ભાભર માર્કેટયાર્ડમાં વેપારીઓ દ્વારા લીંબોળીઓની ખરીદી કરવામાં આવતી હોવાથી અહી લીબોળીઓના મોટા મોટા ઢગલાં તેમજ બોરીઓની થપ્પીઓ જોવા મળી રહી છે. સરહદી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લીબોળીઓની બમ્પર આવક થઈ છે અને રોજેરોજ છસોથી આઠસો બોરી લીબોળીઓની આવક હોવાનું માર્કેટયાર્ડના ચેરમેન જણાવી રહ્યાં છે.
મોદી સરકારે યુરિયા ખાતરને નિમકોટેડ કરતાં લીંબોળીઓના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ભાભર માર્કેટયાર્ડમાં લીંબોળીનો મણનો ભાવ રપ૦ થી ૨૮૦ રૂપિયા છે હાલના સમયમાં લોકોને કોઈ આવક ન હોવાથી પરિવારના સભ્યો ખેતરમાં ઉભેલા કડવા લીમડાની લીંબોળીઓ વીણીને આવક ઉભી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.
અત્યારે ચોમાસું બેસી જવા છતાં હજુ સુધી ભાભર પંથકમાં વાવણીલાયક વરસાદ ન થતાં ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે ત્યારે આ કપરા સમયમાં સરહદી વિસ્તારમાં લીબોળીઓ ખેડૂતોનો સહારો બની છે.