બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 20 દિવસથી લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. જો કે, મોડી સાંજે ભારે વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. લાખણી પંથકમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. જોરદાર પવન અને વાવાઝોડાના કારણે લાખણીના કુડા ગામમાં લોકોને મોટું નુકસાન થયું છે. તો કેટલીક જગ્યાએ ઘટાદાર વૃક્ષો પણ ધરાશાયી થતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
આ ઉપરાંત ખેડૂતોના તબેલાના પણ શેડ ઉડી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. એક તરફ કોરોનાની મહામારી સામે ખેડૂતો ઝઝુંમી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાવણીલાયક વરસાદ પણ થયો નથી, જ્યાં થાય છે ત્યાં માત્રને માત્ર નુકસાન વેરે છે. કુડા ગામે એક જ પ્રજાપતિ પરિવારના ત્રણ ભાઈઓના ઘરના પતરા ઉડી જતા અંદાજે 3 લાખનું નુકસાન થયું છે, સદનસીબે લોકો ઘરની બહાર દોડી આવતા જાનહાનિ ટળી હતી.
આ સિવાય ભાભરના ગામે પણ વીજળી પડતા એક ગાય અને એક ભેંસનું મોત થતાં પશુપાલકને અંદાજે 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. કોરોના મહામારીના સમયમાં જ્યારે ખેડૂતોને સૌથી વધુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, એવામાં પડતા પર પાટું જેવો ઘાટ બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોનો થઈ રહ્યો છે અને વારંવાર નુકસાનના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. જેથી અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર પાસે રાહતની માંગ કરી રહ્યા છે.