ડીસાઃ હાલમાં સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત લોકોના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસની લડાઈમાં ડીસા ખાતે રોજ-બરોજ સેવામાં લાગેલા સફાઈ કામદારો માટે આરોગ્ય વિભાગ દ્વારા તેમની શારીરિક ચકાસણી કરવામાં આવી હતી.
કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરી સમગ્ર દેશની જનતાને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે, ત્યારે ડીસા પાલિકામાં કામ કરતા કામદારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડીસા શહેરી આરોગ્ય વિભાગ દ્વારા પાલિકામાં કામ કરતા સફાઈકામદારો હાલ સેવા આપી રહ્યા છે, ત્યારે તેમની મેડિકલ ચેકઅપ કર્યા બાદ દવા અને સારવાર પણ આપવામાં આવી હતી.
પાલિકા કચેરી ખાતે ચાર તબીબો દ્વારા આ મેડિકલ ચેકઅપ કરાયું હતું. જેમાં કુલ 250 જેટલા સફાઈ કામદારોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું હતું.