અંબાજી: આ એક ઐતિહાસિક ઘટના જ કહી શકાય કે, જ્યારથી અંબાજી મંદિર પ્રસ્થાપિત થયું. ત્યાર બાદ પહેલી વખત આટલા લાંબા સમય માટે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહ્યાં છે. આજે અંબાજી મંદિરના દ્વાર ખુલતા સૌ પ્રથમ મંગળા આરતી કરવામાં આવી હતી, પરંતુ આરતીમાં એકપણ માઇ ભક્ત આરતીનો લ્હાવો લઇ શક્યા ન હતા. માત્ર મંદિર ટ્રસ્ટના ફરજ પરના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ ફરજ પર જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓને માતાજીના દર્શનનો લ્હાવો આરતી પૂર્ણ થયા બાદ મળ્યો હતો. જે ભક્તો આજે વહેલી સવારથી જ લાઈન લગાવીને દર્શનના રાહમાં બેઠા હતા, તેણે સોશિયલ ડીસ્ટન્સ સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો.
અંબાજી મંદિરમાં ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઇઝરની વ્યવસ્થાનો પણ લાભ લીધો હતો. મોઢા ઉપર માસ્ક બાંધી ભક્તો માતાજીના સન્મુખ હાથ જોડી ફરીવાર આવી કપરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી પણ પ્રાર્થના કરી હતી. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીનો અંત આવે તેવી પ્રાર્થના પણ કરી હતી. આટલા લાંબા સમય બાદ નિત્ય દર્શન કરવા આવનાર ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે.
જોકે, સવારની મંગળા આરતીમાં પણ મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા કોરોનાની મહામારી નો અંત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જોકે, આજે મંદિર ખુલતા પ્રથમ દિવસે શ્રદ્ધાળુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં હજી પણ શ્રદ્ધાળુમાં ક્યાંક ને ક્યાંક ડર અનુભવાતો હોય તેવું લાગી રહ્યુ છે.