બનાસકાંઠાઃ અરવલ્લીની ગિરિમાળામાં વસતા આદિવાસીઓ આજે પણ પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને રીતરિવાજોનું ચુસ્તપણે પાલન કરે છે. દાંતા અને અમીરગઢ વિસ્તારમાં જ્યારે પણ કોઈ વ્યક્તિનું અકાળે મોત થાય અને તેના પરિવારને હત્યાની આશંકા લાગે, ત્યારે પરિવાર દ્વારા ચડોતરું કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ચડોતરું એટલે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહની અંતિમવિધિ નહીં કરવી અને વિરોધ દર્શાવવો. આ પરંપરા બનાસકાંઠાના છેવાડા ગામમાં આજે પણ જોવા મળે છે. આવી જ એક ઘટના દાંતા તાલુકાના જામરૂ ગામમાં બની છે. આ ગામમાં ગત 20 મહિનાથી એક મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી નથી. અંતિમવિધિ ન થતાં મૃતદેહ આજની તારીખે નરકંકાલ બન્યું છે.
મૃતકના પિતાએ પોતાના પુત્રની હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે પુત્રની અંતિમવિધિ કરી નથી. આ ઉપરાંત મૃતકના પિતાએ કહ્યું કે, જ્યાં સુધી તેમના દીકરાને ન્યાય નહીં મળે, ત્યાં સુધી તે અંતિમવિધિ કરશે નહીં. જેથી 20 મહિનાથી મૃતદેહને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બનેલા શૌચાલયમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આદિવાસી વિસ્તારમાં આ પ્રકારે ઘણાં મૃતદેહો રજળ્યા હતા.
આ અંગે પોલીસે જણાવ્યું કે, જે તે સમયે તેમના પરિવારે આક્ષેપ કર્યો હતો કે યુવકની હત્યા થઈ છે. જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં હત્યાની કોઈ બાબત સામે આવી નથી. જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહ તેમના સ્વજનોને આપ્યો હતો. સ્વજનોને મૃતદેહ આપ્યા બાદ પણ અંતિમ ક્રિયા નહીં થવાની ઘટના સામે આવવાથી હડાદ પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.