પાલનપુર: જિલ્લાના વાવના રાઘાનેસડા કરોડોના ખર્ચે બની રહેલા સોલાર પ્લાન્ટની નવીન 220 કેવી સોલારપાર્ક થી 220 કેવી વાવ ખીમણાવાસ સબસ્ટે સુધી બેવડી વિજલાઇન પ્રસ્થાપિત કરવાના ચાલતા કામમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવા ખેડૂતોએ થરાદ પ્રાંતકચેરી વાવ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાવના કારેલી તથા ચંદનગઢ ગામના ખેડૂતોના ખેતર માંથી પસાર થતી આ સોલાર વીજ લાઇનના ખેડૂતોના ખેતરમા લાઇન ઉભી કરવામાં આવશે તે ની આસપાસની જમીન ખેડૂતને ખેડવા લાયક રહેશે નહીં તથા ખેતરમાં જેનું મટિરિયલ ઉતારવામાં આવશે અને વાહન દ્વારા અવરજવર થશે જેથી ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવશે.
જોકે અત્યારે ચોમાસુ પાક માથે આવ્યો છે, પાક તૈયાર થઈ ગયો છે અને વિજલાઈનના જવાબદાર અધિકારીદ્વારા કોઈ ખેડૂતોને નોટિસ અથવા જાહેરાત કરાઈને જાણ પણ કરેલી નથી. એવામાં ખેડૂતોનું કહેવું છે પાકનું મોટું નુકસાન થાય છે, જમીનમાં નાખેલા ફુવારા અને પીવીસી લાઈનો અને ખેતરની આરપાર નુકસાન થતું હોવાથી ખેડૂતોને કંપની યોગ્ય વળતર આપે એવી રજુઆત કરાઈ હતી અને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી વીજ લાઇનનું કામ બંધ રખાય એવી ખેડૂતો એ રજુઆત કરી હતી.